સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી
કિડ્ઝ સિટીની ફી
બાળક ૧૦૦
વયસ્ક ૧૫૦
કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.
શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાઈ હતી.
ઉપરાંત કિડ્ઝ સિટીના સોવેનિયર સહિતના ચાર્જ નક્કી કરવા અને સંચાલન કરવાના નિયમો વગેરે જરૂરી કાર્યવાહી કરવા તથા ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.
મ્યુનિ. માલેતુજારોનાં બાળકો માટે નહીં પરંતુ આમ આદમી માટે ચાલતું હોવાનું અને સંસ્થાનું મનોરંજન માટે પણ સામાજિક ઉત્તરદાયિત્વ હોય તેવું ભૂલીને સત્તાના મદમાં મેયર અસિત વોરાએ એવું જણાવ્યું હતું કે ‘આ તો એન્ટરટેઈનમેન્ટની વાત છે. આવવું હોય તે આવે ન પોષાય તે ન આવે.’ હવે આવતીકાલે કિડ્ઝ સિટીનું ઉદ્દઘાટન ખુદ મોદીના હસ્તે છે ત્યારે તે પોતાના સપનાને બચાવી શકશે કે અસિત વોરાના હસ્તે રોળાવા દેશે તે તો કાલે જ જાણ થશે.
કિડ્ઝ સિટીનો સફાઈ ખર્ચ મહિને ૧.પ લાખ!
મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા લાખોનું આંધણ કરતાં બિનજરૂરી કોન્ટ્રાકટ આપી દેવાય છે અને અંતે પ્રજાએ તે બોજ સહન કરવાની નોબત આવે છે. સ્ટેન્ડિંગ કમિટીએ આવો જ એક નિર્ણય આજે કર્યો હતો. કિડ્ઝ સિટીની સફાઈનો કોન્ટ્રાકટ માસિક ૧.પ લાના ખર્ચે આપવાનું ઠરાવતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી જણાવ્યું હતું કે જયારે મશીનરી મ્યુનિ.ની હોય તો આટલી ઉંચી રકમનો કોન્ટ્રાકટ આપવાની કોઈ જરૂર નથી. મશીનરી મ્યુનિ.ની હોય તો આ કામગીરી ૭૦ રૂપિયાનો રોજમદાર પણ કરી શકે. જો મેયર અસિત વોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિતે પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવાની મમત છોડી પ્રજાના નાણાનો વિચાર કરવો જોઈએ. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો હતો કે કાંકરિયામાં બનાવાયેલા કિડ્ઝ સિટીનો સફાઈનો કોન્ટ્રાકટ ભારત વિકાસ ગૃપ ઈન્ડિયાને માસિક દોઢ લાખમાં આપવો.
કોંગ્રેસ કાર્યક્રમનો બહિષ્કાર કરી આંદોલન છેડશે
મ્યુનિ. વિરોધ પક્ષના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે કિડ્ઝ સિટીની ફી ઉપરાંત અન્ય તમામ ફી સામાન્ય વર્ગને પોષાય તેમ નથી. એક પરિવાર આવે તો કાંકરિયામાં તેને ૧ર૦૦થી ૧પ૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય. આવા તઘલખી નિર્ણયનો વિરોધ કરવા કોંગ્રેસ આવતીકાલના ઉદ્દઘાટનના કાર્યક્રમનો બહિષ્કાર કરશે. અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન પણ છેડશે.
બે બાળક સહિત ચાર વ્યક્તિના કુટુંબનો ખર્ચ
ખર્ચનું નામ | ફી | કુલ ખર્ચ |
પ્રવેશ ફી | ૧૦ | ૪૦ |
ટ્રેન | રપ | ૧૦૦ |
તિથર્ડ બલૂન | ૧૦૦ | ૪૦૦ |
પ્રાણી સંગ્રહાલય | ૧૦ | ૪૦ |
કિડ્ઝ સિટી | ૧૦૦/૧પ૦ | પ૦૦ |
બાલવાટિકા | ૩ | ૧ર |
બોટિંગ | ૧૦ | ૪૦ |
નગીનાવાડી | ૧૦ | ૪૦ |
એમ્યુઝમેન્ટ પાર્ક | પ૦ | પ૦ |
નાસ્તો | ર૦૦ | ર૦૦ |
કુલ રૂપિયા | ૧૪રર |


























