અમદાવાદ શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા શાહપુર અને કાલુપુર વિસ્તારમાં દિવસભર અજંપાભરી શાંતિના માહોલ વચ્ચે મોડી સાંજે પોલીસે શાહપુર અને કાલુપુર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જેમાં શાહપુરના વિસ્તારોમાં ૨૦૦ જેટલાં મકાનોનાં ધાબાં પરથી કોથળા ભરીને પેટ્રોલ બોમ્બ અને પથ્થરો મળી આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.ઉપરાંત ધનાસુથારની પોળમાથી દસ જેટલા દેશી જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૃ કરી હતી.
- ધનાસુથારની પોળમાં દસ જીવતા બોમ્બ ઝડપાયા
- શાહપુરમાં ૧૫ કોથળા ભરી પેટ્રોલ બોમ્બ, પથ્થરો મળ્યા
- કોમ્બિંગઃ થોકબંધ બોમ્બ મળ્યા
જોકે, આજે ચોથા દિવસે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાના કારણે પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ખરેખર, આ બોમ્બ અને પથ્થરો કોના ઈશારે અને કયા કારણોસર કોણે ભેગા કર્યા હતા તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.
શુક્રવારની મોડી સાંજના ચાર વાગ્યાથી પોલીસે કોમ્બિંગ શરૃ કર્યુ હતું. શાહપુરના નાગોરીવાડ,નવગણીપોળ, નગીનાપોળ, નાના રંગીલાપોળ, મોટી રંગીલાપોળ, આંબલીયાળા પોળ,ભવાનપુરાની પોળ, નગુમાસ્તરનો ડેલો વગેરે વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટુકડીઓએ ૨૦૦ જેટલાં મકાનોનાં ધાબાંઓ ઉપર તેમજ મકાનોમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન પોલીસને બેથી ત્રણ કોથળા ભરીને પેટ્રોલ બોંબ તેમજ સાતથી આઠ કોથળા ભરીને પથ્થરો મળી આવ્યા હતા.
શુક્રવારે શાહપુર અને કાલુપુર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ તંગદિલી સર્જાય તેવી દહેશત ખુદ પોલીસ વ્યકત કરી રહી હતી. જેની પાછળનું કારણ શુક્રવાર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કોઈ પણ પ્રકારની તંગદિલી ન સર્જાય તે હેતસુર જેસીપી સતીશ શર્મા દ્વારા પહેલેથી જ અગમચેતીના ભાગરૃપે શાહપુર વિસ્તારની ૨૬ જેટલી મસ્જિદોની બહાર પોલીસે તકેદારીના ભાગરૃપે નવા પોઈન્ટ ઊભા કરી દીધા હતા અને આરપીએફની એક ટુકડી શાહપુરમાં અને એક કાલુપુરમાં તૈનાત કરાઈ હતી. ઉપરાંત દિવસભર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં કોમી એખલાસની નાજુક દોરી જેવી તૂટે કે તરત જ કોટ વિસ્તારમાં તંગદીલી છવાઈ જતી હોય છે. અનિશ્ચિતતા ભર્યા આવા વાતાવરણમાં તોફાની તત્વો ધમાલ મચાવવાનો સામાન મકાનોની છત પર સંતાડીને રાખતાં હોય છે.

No comments:
Post a Comment