અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું અને સંહારક બની શકે તેવું વાવાઝોડું 'ફૅટ' ઓમાન ભણી ફંટાઇ જતાં ગુજરાતે એક પ્રકારની રાહત અનુભવી છે. જો કે રવિવારે બપોર પછી કચ્છમાં ભારે વરસાદ અને પવનની શક્યતા જોતાં આગામી તા. ૮મી જુન સુધી કચ્છ અને અન્ય જિલ્લાઓમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રની વ્યવસ્થા યથાવત રખાશે. દરમિયાન કચ્છ, ઉપરાંત સૌરાષ્ટ્ર બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ તેની અસર પડવાની સંભાવના છે.
કચ્છ સહિતના જિલ્લાઓમાં 7મી સુધી તંત્ર સાબદુ ઃ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા
હવામાનખાતાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના વિસ્તારો ફેટથી સંપૂર્ણ ભયમુક્ત છે. આવતા ૩૬થી ૪૮ કલાકમાં તેની અસર કચ્છ અને રાજસ્થાન તરફ પડશે, જે કારણે ત્યાં મધ્યમથી ભારે વરસાદ અને ૫૦થી ૬૦ કિ.મી. જેટલો પવન રહેવાની શક્યતા છે. ભાવિ સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સાગરખેડુ અને દરિયાકાંઠે વસવાટ કરતા લોકોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે.
૩૧મી મેના રોજ અરબી સમુદ્રની મધ્યથી ઉદ્ભવેલા ફેટે ભારત સહિત પાકિસ્તાન અને મધ્ય-પૂર્વના દેશોમાં એક ભારે ભય ફેલાવ્યો હતો. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે ફેટ સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોળી નાખશે. ફેટની તીવ્રતા એટલી મોટી હતી કે તે ફરી વાર ૧૯૯૮ના કંડલાની યાદ અપાવવા સક્ષમ હતી.
જો કે સદ્નસીબે તે ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. શરૂઆતમાં ફેટ ૨૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પસાર થઈ રહ્યું હતું. ભારતમાં હજુ ચોમાસું બેઠું છે, ત્યાં જ અત્યંત તીવ્ર ફેટ વાવાઝોડાથી ચોમાસામાં વરસાદ ઉપર પણ અસર પડવાની શક્યતા જોવામાં આવે છે.
હવામાનખાતાના ડાયરેક્ટર કંવરજિત રેએ જણાવ્યું હતું કે, ‘વાવોઝોડું સંપૂર્ણ વિખેરાયા બાદ ચોમાસા પર અસર પડી શકે છે કે કેમ તે કહી શકાશે. અત્યારે કંઈ પણ કહેવું વહેલું છે. જો કે પ્રાથમિક રીતે જોતાં ફેટની અસર ચોમાસા ઉપર પડવાની શક્યતા નહિવત છે.’

No comments:
Post a Comment