અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણને કારણે ઉત્તર-પશ્ચિમ કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ પવન સાથે અવારનવાર વરસાદી ઝાપટાં પડવા સાથે વરસાદી માહોલ ઊભો થયો છે. આજે સવારથી જ કચ્છ, સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મોસમમાં પલ્ટો આવી ગયો હતો. કેટલાક ઠેકાણે ૩૦થી લઇને ૬૫ કિમી સુધીની ઝડપે પવન સાથે ભારે વરસાદ ખાબકી પડયો હતો. કચ્છમાં વીજળી પડતાં એકનું મોત થયું હોવાના અહેવાલ છે.
આ દરમિયાન વાવાઝોડુ ફરીને પાકિસ્તાનના કરાચી થઈને કચ્છને ટચ કરે અને તેને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા હોવાની હવામાનખાતાની ચેતવણીને પગલે મહાબંદર કંડલા અને મુંદરા પર ત્રણ નંબરના ભયજનક સિગ્નલ લગાવી દેવાયા છે.
રવિવારે સવારથી જ કચ્છમાં વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. કચ્છના લગભગ બધા જ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ભુજ, નલિયા, જખૌ, નખત્રાણામાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયાં હતાં. ભુજ પાસેના મમુઆરામાં વીજળી પડતાં એક યુવાનનું મોત નીપજ્યું હતું.
ભાવિ સ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છમાં ૧૫૦ જેટલા અગરિયાને સલામત સ્થળે ખસેડ્યા હતા. સૌરાષ્ટ્રમાં દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. વિસાવદરમાં રોડ ઉપરનું ઝાડ પડી જતાં માંડાવડ રોડ બંધ થઈ ગયો હતો. એવી જ રીતે જામનગર, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં પણ એકંદરે વરસાદ નોંધાયો હતો.
વાવાઝોડું હવાના દબાણમાં ફેરવાઈ નલિયા તરફ
‘ફેટ’ વાવાઝોડું ઓમાન થઈ પાકિસ્તાન સુધી પહોંચતાં ખતમ થઇ ગયા પછી હવે હવાના હળવા દબાણમાં પરિવર્તિત થઇ ગયું છે અને કચ્છના કાંઠાળ વિસ્તાર તરફ આગળ વધી રહયું છે. આ સ્થિતિમાં ભારે વરસાદ અને જોરદાર પવનની શક્યતાને પગલે સતર્કતા વધારી દેવાઇ છે. બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત્ રખાયું છે. શનિવાર રાત સુધીમાં પાકિસ્તાન સુધી પહોંચેલા ફેટ વાવાઝોડાની તીવ્રતા સમાપ્ત થઇ ગઇ છે.
હવે આ વાવાઝોડું માત્ર હવાનું દબાણ રહયું છે. ઉત્તર- પૂર્વ દિશામાં આગળ વધેલું દબાણ હવે કચ્છ તરફ આવી રહયું છે. વહેલી સવારે નલિયા કાંઠાથી ૫૦૦ કિ. મી. દૂર રહેલું દબાણ ધીમે ધીમે આગળ આવીને બપોર સુધી ૨૫૦ કિ. મી. સુધી આવી ગયું હતું અને છેલ્લે સાંજના ભાગે તે ૨૦૦ કિ. મી. દૂર રહયું છે.

No comments:
Post a Comment