Monday, June 14, 2010

ગુજરાતમાં ૪૪ ડિગ્રી ગરમી વચ્ચે આજથી શાળાઓ ચાલુ.


રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૂર્યનારાયણ અગનજ્વાળાઓ વરસાવી રહ્યા છે. આજે હિટવેવની અસર તળે સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ અનુભવાયો હતો અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં તાપમાનનો પારો અત્યંત ઊંચે જતો રહ્યો હતો. ઈડરમાં ૪૭.ર ડિગ્રી, ડીસા ૪૬.૧ ડિગ્રી, મોડાસા ૪૬.૩ ડિગ્રી અને અમદાવાદમાં ૪૪.પ ડિગ્રી તાપમાન નોંધાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી. વડોદરામાં ભારે ગરમીના કારણે બેનાં મોત નીપજ્યા હતાં. ઉત્તર ગુજરાતમાં આગામી એક દિવસ હિટવેવ જારી રહેવાની અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઈડરમાં ૪૭.ર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં ૪૬.૧ અને મોડાસામાં ૪૬.૩ ડિગ્રી, અમદાવાદમાં ૪૪.પ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ૪૪ ડિગ્રી ઉપર પહોંચી ગયેલા ગરમીના પારા વચ્ચે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે તમામ સ્કૂલો ફરી ધમધમતી થશે. નવા સત્ર સાથે વાલીઓ પર સ્કૂલ ફી સહિતની અન્ય ફીનો વધારાનો બોજો પણ પડશે. નવા શૈક્ષણિક સત્રનું પ્રથમ સત્ર ૩૧ ઓક્ટોબર સુધી ચાલશે.

પ્રાપ્ત માહિતી અનુસાર લાંબા દિવાળી વેકેશન બાદ રાજ્યનાં તમામ સ્કૂલ કેમ્પસ સોમવારથી ફરી એક વાર વિદ્યાર્થીઓના કિલ્લોલ સાથે ગૂંજી ઊઠશે. સ્કૂલમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વાલીઓ પર પણ સ્કૂલ ફી, સ્કૂલ વર્ધીના ભાડાના વધારાનો બોજો આવશે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની પૂર્વ સંધ્યાએ બજારોમાં અંતિમ સમયની ખરીદીની ભીડ જામી હતી. સ્ટેશનરીની દુકાનો પર મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી.

બજારોમાં સ્કૂલ શૂઝની તંગી સર્જાઈ હોઈ રવિવારની સાંજ સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓ શૂઝની ખરીદી માટે બજારોમાં જોવા મળતા હતા. સ્કૂલ ડ્રેસના બ્લેક શૂઝની તંગીના લીધે દુકાનદારો વધુ કિંમત લઈને આ શૂઝ વેચતા હતા. આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાં તો પુસ્તકો બજારમાં ઉપલબ્ધ હતાં, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં પુસ્તકોની હજુ તંગી હોઈ સ્કૂલ શરૂ થવાના એક દિવસ પહેલાં પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદવા માટે બજારોમાં આંટાફેરા મારતા જણાઈ આવ્યા હતા.

સ્કૂલવર્ધીના વાહનચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હોઈ વાલીઓને વાર્ષિક રૂ. એક હજાર જેટલો વધારાનો બોજો પડશે. રાજ્યમાં ૧૪ જુનથી શરૂ થનારું નવું શૈક્ષણિક સત્ર ૮ મે-’૧૧ના રોજ પૂર્ણ થશે. પ્રથમ સત્ર ૩૧ ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે અને ૧ નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ કરવામાં આવશે. સપ્ટેમ્બર માસમાં રાજ્યની શાળાઓમાં પ્રથમ કસોટી યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

No comments:

Post a Comment