અમદાવાદ : સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી રોકેટની જેમ વધતા ગરમીના પારામાં આજે ઘટાડો નોંધાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. આજે રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં એકથી લઈ ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન ઈડરનું ૪૩.૨ ડિ.સે. નોંધાયું હતું. જોકે ચોમાસું નજીક હોવાથી રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લોકો ભયાનક ઉકળાટનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાતમાં નૈઋર્ત્ય તરફથી ચોમાસું આગળ વધી રહ્યું છે અને બે દિવસથી મુંબઈમાં પણ વરસાદ થઇ રહ્યો છે. જેથી ગુજરાતમાં પણ આગામી ૪૮ કલાકમાં ચોમાસું વિધિવત રીતે સક્રિય થઈ જાય એવી શક્યતા છે.
ગઇકાલની કાળઝાળ ગરમી બાદ આજે સોમવારે રાજ્યભરમાં ગરમીનો પારો નીચો રહ્યો હતો. સાથે હીટવેવનું પ્રમાણ ઘટતાં આજે રાજ્યભરમાં લોકોએ કંઇક અંશે હાશકારાનો અનુભવ કર્યો હતો. આજે રાજ્યભરમાં ગઇકાલની સરખામણીએ સરેરાશ દોઢથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇડરમાં આજે અઢી ડિગ્રી જેટલો ઘટાડા સાથે ૪૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે અમદાવાદમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીને કારણે રાજ્યમાં બેનાં મોત થયાં હતાં. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં હવામાનમાં પલટો આવ્યો હતો. કોઇ જગ્યાએ વાદળ છવાયાં હતાં તો ક્યાંક હળવો વરસાદ પણ પડ્યો હતો. વરસાદની કાગડોળે રાહ જોઇ રહેલા લોકો માટે હવામાનખાતાએ સારા સમાચાર આપ્યા છે કે આવતા ૨૪ કલાકમાં ગુજરાતનાં કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે.
સોમવારનો દિવસ ગઇકાલની સરખામણીએ સારો રહ્યો હતો. ડીસા અને ઇડરમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓછી ગરમીને કારણે આજે રસ્તા ઉપર અવરજવર જોવા મળી હતી. મહેસાણામાં પણ ગરમીમાં રાહત મળી હતી. મધ્ય ગુજરાતમાં ગરમીને કારણે ખેડા જિલ્લાના તારાપુર તાલુકાના ઇન્દ્રણજ ગામમાં એક અજાણી મહિલાની લાશ મળી હતી. પ્રાથમિક રિપોર્ટમાં ગરમીને કારણે તેણીનું મોત થયું હોવાનું જાણમાં આવ્યું છે.
રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન નીચે મુજબ હતુ.
ઇડર - ૪૩.૨
અમદાવાદ - ૪૦.૮
ગાંધીનગર - ૪૦.૨
ડીસા - ૪૦.૨
ભાવનગર - ૩૯.૮
વડોદરા - ૪૦.૭
રાજકોટ - ૪૦.૬
ભૂજ - ૩૬.૭
સુરત - ૩૫
વલસાડ - ૩૩.૯
No comments:
Post a Comment