મેઘરાજાના આગમનથી ખેડૂતો આનંદી ઊઠ્યા હતા. બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. જોકે મેઘરાજાએ ઉત્તર ગુજરાત પર મહેર વરસાવવાનું બાકી રાખ્યું હતું. આગામી ૪૮ કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દિવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉપરાંત ચોમાસું આગળ વધી ઉત્તર ગુજરાત સુધી પહોંચી શકે છે.
સૌરાષ્ટ્રમાં આજે તીવ્ર ઉકળાટ બાદ ચોમાસાની પ્રતીતિ કરાવતી સાર્વત્રિક મેઘમહેરથી લોકો ખુશીથી ઝૂમી ઉઠયા છે. આજે ગોંડલ, ઉના, જામજોધપુર, ભાણવડમાં ચાર, ધારી, જાફરાબાદ, ધોરાજી અને જામ કંડોરણામાં ત્રણ જ્યારે અન્યત્ર એકથી બે ઈંચ વરસાદને કારણે જગતના તાતે વાવણીના શ્રીગણેશ કર્યા હતા. બીજી તરફ ભાદર, ખોડિયાર સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
ખોડિયાર, ભાદર સહિતના ડેમોમાં નવા નીરઃ પહેલા વરસાદે ગોંડલ, ઉનામાં તંત્રની પોલ ખોલી; ૧૭ સ્થળે વીજળી પડી, ૧નું મોત
જૂનાગઢ જિલ્લામાં આજે ઉનામાં શ્રીકાર ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા, માળિયા હાટીના, વંથલીમાં બે ઈંચ, જનાગઢ અને માણાવદરમાં એક ઈંચ જ્યારે તાલાળા અને ભેસાણમાં અર્ધો ઈંચ વરસાદ થયો હતો. તાલાલા નજીક ભાલછેલ, ધાણેજ, આંકોલવાડી ગીર વિસ્તારમાં બેથી ત્રણ ઈંચ વરસાદ થયો હતો. માળિયા હાટીનાના આંબેચા ગીર ગામે પોણા ત્રણ ઈંચ વરસાદ થયો હતો. અમરેલી જિલ્લામાં ધારીમાં ધોધમાર ત્રણ ઈંચ જ્યારે જાફરાબાદમાં અઢી ઈંચ, બગસરામાં દોઢ ઈંચ, રાજુલા, બાબરામાં એક ઈંચ, જ્યારે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ થયો હતો, અમરેલી, વડીયા, લાઠી અને ખાંભામાં અર્ધાથી એક ઈંચ વરસાદ થયો છે. આજના વરસાદથી ધારીના ખોડિયાર ડેમના બે ફૂટ નવા નીરની આવક થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીમાં બે વઢવાણ અને સાયલામાં દોઢ જ્યારે હળવદ, ચોટીલા, ચૂડા, લીંબડી અને લખતરમાં અર્ધો ઈંચ વરસાદ થયો હતો. ભાવનગર શહેરમાં સવા બે, મહુવા અને બોટાદમાં બે, તળાજામાં એક, ઘોઘામા પોણો, ગારિયાધાર, વલ્લભીપુર અને શિહોરમાં હળવા ભારે ઝાપટા પડયા હતા.
આજે અમદાવાદમાં સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. શહેરમાં સવારે અંદાજે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ આખો દિવસ વાછળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
No comments:
Post a Comment