કાંકરિયા લેકફ્રન્ટમાં આવતાં નાગરિકોને ખાણીપીણીની વધુ સુવિધા આપવા માટે બનાવાયેલા ફૂડકોર્ટ ચલાવવા માટે ફકત બે કંપનીએ બીડ કમ ઓકશનમાં ભાગ લીધો હતો. એક કંપનીએ ૬૧ લાખની ઓફર કરી હતી. જોકે પ્રીમિયમની જંગી રકમ ચૂકવવા માટે દસ વર્ષના હપતાની માગણી કરતાં ફૂડકોર્ટ માટે રિટેન્ડર કરવામાં આવે તેવા સંજોગો ઊભા થયા છે.
દક્ષિણ ઝોનના ડે.કમિશનર એમ. એસ. પટેલે જણાવ્યું હતું કે, કાંકરિયા લેકફ્રન્ટની ડિઝાઈનમાં જ ફૂડકોર્ટ બનાવવાનું નક્કી કરાયું હતું. તે મુજબ રેલવે પ્લેટફોર્મ પાસે ૬૦૦ ચોરસ ફૂટની જગ્યામાં બનાવયેલું ફૂડકોર્ટ દસ વર્ષ માટે ભાડે આપવા માટે ૫૦ લાખ અપસેટ વેલ્યુ તથા દરમહિને રૂ. દસ હજાર ઓછામાં ઓછું ભાડું નક્કી કરી બીડ કમ ઓક્શનથી આપવાનું નક્કી કરાયું હતું.
ફૂડકોર્ટ ભાડે આપવા માટે અગાઉ ટેન્ડર મગાવાતાં એક જ કંપનીએ તેમાં ભાગ લેતાં રિટેન્ડર કરવામાં આવ્યું હતું. આજે બે કંપનીઓએ બીડ કમ ઓક્શનમાં ભાગ લીધો હતો અને એક કંપનીએ ૬૧ લાખ રૂપિયા પ્રીમિયમ તથા ૧૨ હજાર ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવી હતી, જ્યારે બીજી કંપનીએ ૫૦ લાખ પ્રીમિયમ અને ૧૦ હજાર ભાડું ચૂકવવાની તૈયારી દાખવી હતી.

No comments:
Post a Comment