Thursday, June 3, 2010

'ફેટ' ના ખતરામાંથી ગુજરાત બચ્યું ,ભારે વરસાદની આગાહી


સંભવિત વવાઝોડાને ધ્યાનમાં રાખી ૭૨૦૦ લોકોનું સ્થળાંતર, એનડીઆરએફની ૯ અને એસઆરપીએફની ૮ ટીમો સૌરાષ્ટ્ર-કચ્છમાં કાર્યરત. ગુજરાતના નલિયા અને કંડલા બંદર ઉપર ત્રાટકવાની શક્યતા ધરાવતું ‘ફેટ’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ચૂક્યું છે. આ સાથે ગુજરાત ઉપરનો ખતરો હાલ પૂરતો ટળી ચૂકયો છે. જો ૧૯૯૮ના વાવાઝોડાની જેમ ફેટ વાવાઝોડું પાછું ન પડે તો ગુજરાત સંપૂર્ણ રીતે ભયમુક્ત છે, તેમ રાજ્યના હવામાન ખાતાએ જણાવ્યું છે.

ચક્રવાત ઓમાન તરફ ઘસડાયું ઃ પાંચ જૂને પાકિસ્તાન પર ત્રાટકશે  ગુજરાતના સમુદ્રતટે ભારે વરસાદ અને તીવ્ર વંટોળની શક્યતા

  • મંગળવારથી હવાના દબાણમાંથી ચક્રવાત ‘ફેટ’માં રૃપાંતર થઇને  બુધવારે અતિ તીવ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું. ત્યારે તેની ગતિ ઉત્તર-ઉત્તર પશ્ચિમ, ઉત્તર દિશામાં ઓમાન તરફ ગતિ થઇ હતી.
  • પાકિસ્તાન-ગુજરાત તરફ ફંટાવાના બદલે ઓમાન તરફ ચક્રવાતની ગતિ થઇ
  • ઓમાનથી આજે બપોર સુધીમાં ‘ફેટ’ નબળુંુ પડીને પાકિસ્તાન તરફ આગળ વધવાની શક્યતા
  • ચક્રવાતની અસરથી ઉત્તર-પશ્ચિમ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે
  • શુક્રવારે બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું એક સપ્તાહમાં સક્રિય  

બુધવારે તેની મુવમેન્ટના આધારે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે ચક્રવાત ઓમાનની ધરતી પર પહોંચ્યા વગર જ ત્યાંથી ગુરુવાર બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં વળાંક લઇને પાકિસ્તાન અને તેની નજીકમાં આવેલા ગુજરાતના કાંઠા તરફ ફંટાશે. પરંતુ બુધવારે રાત્રે જ તેની નિર્ધારિત ગતિ ઓમાન તરફ થઇ ગઇ હતી અને આજે બપોરે તે ઓમાનના સૂરથી ૪૦૦ કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વ તરફ તથા ઓમાનના મસીરાહ ટાપુથી ૧૭૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ દિશામાં કેન્દ્રિત થયેલું હતું.

આ ચક્રવાતનો કેટલોક ભાગ ઓમાનની ધરતી પર હોવાથી તે પ્રમાણમાં નબળુંુ પડી રહ્યું છે કેમ કહીને હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોએ ઉમેર્યું છે કે, આગામી ૨૪ કલાકમાં તે ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ-ઉત્તરીય દિશામાં ગતિ કરશે અને શુક્રવારે સવારે ઓમનને પસાર કરશે. તેના પછી ચક્રવાત વધારે નબળું પડીને ઉત્તર પૂર્વ દિશામાં પાકિસ્તાન તરફ ફંટાશે. આ સાથે તે ૫ જૂનના રોજ ફરીથી અરબી સમુદ્રમાં આવશે અને પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં ત્રાટકશે.

આ સ્થિતિના કારણે આગામી ૪૮ કલાકમાં ઘણે ઠેકાણે મોટા પ્રમાણમાં ભારેથી અતિભારે, કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદી ઝાપટાં, સરેરાશ ૫૦ કિમી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનની ગતિ કેટલીક વખત ૬૦ કિમીની પણ થઇ શકે છે. આ જ રીતે આ સમયગાળામાં દરિયો પણ તોફાની રહેવાથી માછીમારોએ હજુ દરિયો ન ખેડવો તેવી સૂચના યથાવત રાખવામાં આવી છે.

અમદાવાદમાં પણ હવામાનમાં બદલાયું છે. આકાશમાં ભૂરા અને કાળાં વાદળો ઉમટી આવ્યા હતા અને ગરમીમાં રાહત આપી છે. ધૂળની ડમરીઓ ઉડાડતા પવન સાથે ક્યાંક છાંટા તો ક્યાંક હળવો વરસાદ પડયો હતો. હવામાનખાતાની આગાહી જણાવે છે કે આવતીકાલે સાંજે અથવા રાતે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના  છે. ચોમાસાનો વરસાદ માટે હજુ ગુજરાતની પ્રજાએ રાહ જોવાની છે.  વાવાઝોડાના કારણે હાલમાં કેરળના કાંઠે ચોમાસું સ્થિર થયેલું છે અને તેને આગળ ધપતાં હજુ ત્રણેક દિવસનો સમય લાગશે. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તપામાન ૪૦.૬ ડિગ્રી સે.ગ્રે. રહ્યું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ હતુ. લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૬૦ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૩૩ ટકા નોંધાયું હતું.

2 comments: