અમદાવાદના કોઈ માર્ગ ઉપર પાર્ક કરવામાં આવેલું તમારૃં વાહન થોડી જ મિનિટોમાં પાછા ફરો લાપતા થયેલું જણાતાં જ બ્લડપ્રેશર હાઈ થઈ જાય. મેગાસિટીમાં વાહન વગર ચાલે નહીં તેવી વાસ્તવિકતા વચ્ચે મોકો જોતાં જ વાહનો ચોરી જનારી ગેંગો બેરોકટોક કાર્ય કરતી રહી છે. ચોરી-લૂંટના અન્ય ગુનાખોરીની સરખામણીએ આસાન જણાતી વાહનચોરી કરનારાંઓનું નેટવર્ક ગણો કે પોલીસની નિષ્ફળતા, માંડ ૧૨ ટકા વાહનો જ પાછાં મળે છે. ૮૮ ટકા કિસ્સાઓમાં વાહનોનો પતો લાગતો નથી. જૂના વાહનો ગણતરીના કલાકોમાં ભંગાર બની જાય છે તો નવા વાહનો જિલ્લા કે રાજ્ય બહાર જતા રહે છે. અમદાવાદ શહેર પોલીસ સક્રિય બની છે પરંતુ વાહનચોરોને બ્રેક મારવામાં હજુ સુધી નિષ્ફળ રહી છે.
દોઢ વર્ષમાં ૫,૫૬૮ વાહનો ચોરાયા તેમાંથી માંડ ૬૮૦ જ રિકવર નવા વાહનો જિલ્લા કે રાજ્યબહાર અને જૂના વાહનો ભંગારમાં!
અમદાવાદમાં ચોર-લૂંટારાઓ ઉપર કાબુ મેળવવા માટે પોલીસ કવાયત કરી રહી છે. પરંતુ, વાહનચોરીના ગુનાઓમાં નોંધપાત્ર સફળતા મળી નથી. વાહનો ચોરાવાનો આંક નીચો ઉતર્યો નથી તો વાહનચોરીના ગુના ઉકેલવાની સફળતાનો આંક પણ ઊંચો ગયો નથી. વર્ષ ૨૦૦૯થી બેકાબુ બનેલા વાહનચોરો હજુ સુધી કાબુમાં આવી શક્યા નથી. વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦ના છ મહિના ગણી કુલ દોઢ વર્ષમાં ૫,૫૬૮ વાહનો ચોરાયા છે તેમાંથી માત્ર ૬૮૦ પોલીસ રીકવર કરી શકી છે.
પોલીસ મહદ્દઅંશે શોખ પૂરો કરવા માટે વાહનચોરી કરનારાંઓને સરળતાથી પકડી શકે છે. પોતાની આર્થિક જરૃરીયાત અને મોજશોખ માટે વાહનચોરી કરનારાંઓને પકડવામાં પણ પોલીસ સફળ રહી છે. પરંતુ, વાહનચોરીને ધંધો બનાવી ચૂકેલા વાહનચોરોને પકડવાના મામલે પોલીસને ખાસ સફળતા મળી નથી. પોલીસ સૂત્રો ખાનગીમાં એ વાતનો સ્વિકાર કરે છે કે, જૂના વાહનો ચોરીને કલાકોમાં જ ભંગારવાડે છૂટા પાડી દઈને રોકડી કરી લેનારાંઓની ગેંગો સક્રિય છે. નશાખોરીની આદત પૂરી કરવા માટે કાર્યરત તત્વો અને ભંગાર અમુક વેપારીઓની સાંઠગાંઠથી કલાકોમાં જ વાહન ભંગારમાં તબદીલ થઈ જાય છે.

No comments:
Post a Comment