Friday, July 9, 2010

અમદાવાદ સહીત ૧3૬ રથયાત્રા નીકળવાની હોવાથી પોલીસ સતર્ક.

રાજ્યમાં આગામી ૧૩મી તારીખે અમદાવાદ સહિત ૮૯ સ્થળોએથી નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ૪૭ જેટલી શોભાયાત્રા માટે રાજ્ય પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે તેમ જણાવી રાજ્યના પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલાએ કહ્યું હતું કે, તકેદારીના ભાગરૃપે રાજ્યમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની રજાઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન જરૃર જણાશે તો હેલીકોપ્ટર મારફતે નિગરાની રાખવામાં આવશે. આ વખતે રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ અંગે આઈબી દ્વારા કોઈ જ પ્રકારના ઈનપુટ મળ્યા નથી. પડોશી રાજ્યો દ્વારા પણ ૧૫ થી વધુ કંપનીઓ ફાળવવામાં આવનાર છે.

પોલીસ અધિકારીઓ, જવાનોની રજા પર પ્રતિબંધ ઃ જરૃર પડે હેલિકોપ્ટરનો ઉપયોગ ઃ ખંડવાવાલા

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી૨૦ ટીમો ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ૧૦-૧૦ કંપનીઓની માગણી રાજ્યના પોલીસવડાએ કરી હતી. જેમાંથી રાજસ્થાનની પાંચ કંપનીઓ ગુજરાતમાં રથયાત્રાના બંદોબસ્ત માટે આવી ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ૧૫ કંપનીઓ એકાદ દિવસમાં આવશે તેમ વધુમાં ખંડવાવાળાએ ઉમેર્યું હતું.

રાજ્યમાં શાંતિમય રીતે રથયાત્રાની ઉજવણીમાં સહેજેય કચાશ ના રહે તે હેતુથી એટીએસ તથા સીઆઈડીના ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને સતત મોનિટરિંગ  રાખવા  સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત ખાનગી કપડાંમાં પણ પોલીસ તહેનાત રહેશે. જે જગ્યાએ રથયાત્રા મોટાપાયે ઉજવાય છે તે તમામ જગ્યાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ફોર્સ રાખી  આવવા-જતાં મુસાફરો અને શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ તલાશી લઈ રહી છે. આ ઉપરાંત એટીએસના હેડકવાર્ટસ ખાતે ૨૮મી જૂનથી ત્રીજી જુલાઈ સુધી  નિષ્ણાતો દ્વારા  બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલની તાલીમ રાજ્યના કેટલાક અધિકારીઓને આપવામાં આવી છે. રથયાત્રા સંદર્ભે પોલીસ વિભાગના અધિકારી તથા અન્ય સ્ટાફની રજાઓ  કેન્સલ કરી તેમને સ્ટેન્ડ ટુ પર રહેવાનો હુકમ પણ રાજ્યના પોલીસવડાએ કર્યો છે. રથયાત્રાના કારણે આર્મીને પણ એલર્ટ રાખવામાં આવી છે.

No comments:

Post a Comment