અમદાવાદમાં હાઈકોર્ટની સામે આવેલા બિલ્ડીંગના પાર્કિંગ પાસે ગિર નેચર યુથ કલબના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. સત્યમેવ કોમ્પલેક્સમાં વકીલને મળી પોતાની જીપ્સી કારમાં બેસવા જતા અમિત ઉપર બાઈક ઉપર આવેલા બે શખ્સોએ પાછળથી ફાયરિંગ કર્યું હતું. અમિત જેઠવાએ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી પલાયન થઈ ગયા હતા. સાયોના સિટી તરફ દોડીને નાસેલા હુમલાખોરોને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. ગિરના જંગલમાં સિંહ અને પર્યાવરણની રક્ષાના નામે લડત આપતા અને અમુક વખત ચર્ચાસ્પદ બનેલા અમરેલી જિલ્લાના ખાંભાના વતની અમિત જેઠવાની હત્યાના કારણ અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. હાઈકોર્ટ સામે ફાયરિંગ કરી હત્યાના બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચમાં દોડધામ મચી ગઈ છે.
વકીલને મળી જીપ્સીમાં બેસવા જતા અમિત જેઠવા પર ફાયરિંગ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને તમંચો છોડીને પલાયન
અમરેલી જિલ્લાના ખાંભાના વતની અને છેલ્લા પંદરેક વર્ષથી ગિર નેચર યુથ કલબના નામે ગિરના જંગલમાં પર્યાવરણ અને સિંહની રક્ષા માટે સક્રિય બનેલા અમિત પી. જેઠવા (ઉ.વ. ૩૩) છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદના ઘાટલોડીયાના વિશ્વાસ સિટી-૨માં સ્થાયી થયા હતા. પર્યાવરણ અને સિંહોના મુદ્દે અનેક રિટ કરનાર અમિત જેઠવા આજે રાતે હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સમાં બીજા માળે વકીલ વિજય નાગેશને મળવા ગયા હતા.
રાતે પોણા નવ વાગ્યાના અરસામાં વકીલની ઓફીસમાંથી નીકળી પ્રથમ માળે કાગળોની ઝેરોક્સ કરાવી કોમ્પલેક્સના કોર્નર ઉપર પાર્ક કરેલી જીપ્સીમાં બેસવા જતા હતા. ડ્રાયવર સીટનો દરવાજો ખોલ્યો ત્યાં બાઈક ઉપર બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું. પીઠમાં ગોળી વાગવા છતાં અમિત જેઠવાએ હૂમલાખોરો ઉપર તરાપ મારી હતી. ઝપાઝપી થતાં હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી નાસ્યા હતા. હુમલાખોરો સત્યમેવ કોમ્પલેક્સના ખૂણેથી સાયોના સિટી તરફ જતા રસ્તે ભાગ્યા હતા.
આ અંગે તરત જ સ્થળ પર પહોંચેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. કુંડલિયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમીત જેઠવાના હાથ પણ પોતાના લોહીવાળા થયા અને એવા જ હાથે ઝપાઝપી કરી હોવાથી નાસી ગયેલા હુમલાખોરોમાંથી એકના શર્ટ પર લોહીના ડાઘ પડયા હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહને તત્ત્કાળ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જે અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને બાઈક નીચેથી એક તમંચો પણ મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ, આરોપીઓ જે તરફ નાસ્યા ત્યાં પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરેલી તપાસમાં ૧૨ બોરના બે જીવતા કારતૂસ પણ મળ્યા હતા.
હાઈકોર્ટની સામે જ બનેલી ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર-૧ના જેસીપી સતીષ શર્મા, ઝોન-૧ના ડીસીપી બી.કે. ઝા અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
No comments:
Post a Comment