સોરાબ બોગસ એન્કાઉન્ટર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આઈ.પી.એસ. અધિકારી ડો. એન.કે. અમીને આજે સીબીઆઈ કોર્ટમાં તાજના સાક્ષી બનવા માટેની અરજી કરતાં ભૂતપુર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમીત શાહની મુશ્કેલીઓમાં વધારો થવાના સંકેતો મળ્યા છે. દરમિયાન, અમિત શાહના જામીન માગતી અરજી પણ આજે કોર્ટમાં દાખલ થઈ છે. આ અરજી સાથે દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઔરામ જેઠમલાણી અદાલતમાં હાજર થયા હતા. જેની સુનાવણી બીજી ઓગસ્ટે થશે.
અજય પટેલ, યશપાલ ચુડાસમા સામે ધરપકડ વોરન્ટ જી.સી. રાયગરની સઘન પૂછપરછ કરતી સીબીઆઇ
તા. 25 જુલાઇ રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.
આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.
જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.
સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.

No comments:
Post a Comment