Thursday, July 29, 2010
સીબીઆઈનું ગીથા જોહરીને સમન્સ : શોહરાબુદ્દીન કેસ
સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના એક પછી એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પુછપરછ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે હાલમાં રાજકોટ પોલીસ કમિશનરના પદે ફરજ બજાવી રહેલા ગીથા જોહરીને આ કેસ અંગે સમન્સ પાઠવ્યું હતું જેમાં તેમને 10 ઓગષ્ટે સીબીઆઈ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જોહરીએ આ કેસની જ્યારે સીઆઈડી તપાસ કરી રહી હતી ત્યારે તેની આગેવાની કરી હતી અને આ અગાઉ પણ જોહરીની સીબીઆઈ આ કેસમાં બેવાર પુછપરછ કરી ચુકી છે.
બીજી તરફ શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમા સીબીઆઈએ બુધવારે મોડી સાંજે રાજયના પૂર્વ ડીજીપી પી.સી.પાંડેને હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હોવાની વિગતો સીબીઆઈ સૂત્રો પાસેથી જાણવા મળી હતી. તેમને ૧૧ ઓગસ્ટે હાજર થવા ફરમાન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શોહરાબુદ્દીન કેસમાં પી.સી.પાંડેને પહેલીવાર સમન્સ પાઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સૌપ્રથમવાર શોહરાબુદ્દીન કેસની તપાસ સોંપાઈ તે સમયે સીઆઈડી ક્રાઈમના એડિ.ડીજી જી.સી.રાયગરના માર્ગદર્શન હેઠળ ગીતા જોહરી દ્વારા તપાસ કરાઈ હતી. આ તપાસના પહેલા જ એકશન ટેન રિપોર્ટમાં એન્કાઉન્ટર ફેક હોવાનું બહાર આવી ગયું હતું. તે પછી ઉચ્ચ સ્તરેથી તપાસને આડે પાટે ચઢાવવાની કામગીરી અને કેસમાં દખલગીરી શરૃ થઈ ગઈ હતી.
આ દરમિયાનના સમયગાળામાં ૩૦ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજ્યના તે સમયના ડી.જી.પી. પી.સી.પાંડે, શોહરાબ કેસની તપાસ કરી રહેલાં ગીતા જોહરી અને સીઆઈડીના ડી.જી. જી.સી.રાયગર વચ્ચે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં શોહરાબુદ્દીન કેસ સંદર્ભે ચર્ચા કરી અમુક કેસને નુકસાન પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો.
જો કે, મિટીંગમાં શું ચર્ચા કરાઈ હતી તે અંગેની તમામ વિગતો સીબીઆઈને મળી ગઈ છે. પરંતુ રાજયના ડીજીપી તરીકે પી.સી.પાંડે પણ આ મિટીંગમા હાજર હતા અને સીબીઆઈ તેમની પાસેથી જ મિટીંગમાં શું ચર્ચા થઈ હતી તે અંગેની વિગતો જાણવા ઈચ્છે છે અને આ જાણવા માટે જ તેમને સમન્સ પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment