Sunday, August 29, 2010

કલગી ના ફાર્મ-હાઉસ પર જુગાર રમાતા પોલીસ ના દરોડા .

સોલા ભાગવત વિદ્યાપીઠની પાછળ સોલા ગામમાં આવેલા સર્વે નંબર ૯૩૪-૩ ખાતેના નાથીબા ફાર્મ હાઉસમાં ચાલતી લો ગાર્ડન જિમખાના કલબમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે જેસીપી સેકટર ૧ સહિતના પોલીસ કાફલાએ શનિવારે મોડી રાત્રે આ ફાર્મ હાઉસમાં ત્રાટકી સૂત્રધાર ભૂરા ઉર્ફે મૌલિક પટેલ સહિત ૭૦ જુગારીની ધરપકડ કરી કુલ રૃ. ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની રેડને પગલે નાસભાગ મચી હતી અને ફાર્મહાઉસના પાછળના દરવાજેથી ૬૦થી પણ વધુ જુગારીઓ વગેરે ખેતરોમાં ફરાર થઇ ગયા હતા. પોલીસે આ કલબના ભાગીદારો દિનેશ કલગી અને મહેન્દ્ર
કલગીને 'ફરાર આરોપી' તરીકે બતાવ્યા હતા.

સોલાની ક્લબમાંથી સૂત્રધાર મૌલિક પટેલની ધરપકડઃ મહેન્દ્ર - દિનેશ કલગી ફરાર, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર, ૭૧ સેલફોન સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસની રેડ પડે તો ચેતવણી મળી શકે તે માટે જુગારના અડ્ડાના સંચાલકે ફાર્મહાઉસની દીવાલો પર સીસી ટીવી કેમેરા ગોઠવ્યા હતા. તેથી પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં આવ્યા હતા. ત્રણ આઇપીએસ અધિકારીઓની એક સાથે આવેલી રેડને પગલે કલબ સંચાલકોમાં તેમજ ગેરકાયદે કલબોની પરમિશન આપતા પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઝોન ૧ના ડીસીપી બ્રજેશકુમાર ઝાને બાતમી મળી હતી કે સોલા ભાગવત વિદ્યાપીઠ પાછળ નાથીબા ફાર્મ હાઉસમાં મૌલિક ઉર્ફે ભુરો રમેશભાઇ પટેલ, કે જે સોલાગામમાં મોટા માઢ ખાતે રહે છે, તે કલબની આડમાં જુગારનો અડ્ડો ચલાવે છે. આ બાબતની જાણ સેકટર ૧ના જેસીપી સતિષ શર્માને કરાતા તેમણે રેડ પાડવા સ્પેશિયલ ટીમ બનાવી હતી. જેમાં ડીસીપી ઝોન ૧ બી. કે. ઝા, ઝોન ૨ એસ. એમ. કટારા, એસીપી 'એલ' ડિવિઝન બી. કે. આયર સહિતના અધિકારીઓ ઉપરાંત માધવપુરા, કારંજ, સાબરમતી પોલીસનો સ્ટાફ સામેલ કર્યો હતો. લગભગ દસથી પંદર વાહનો સાથેનો આ કાફલો શનિવારે રાત્રે ૧૧ના સુમારે બે પંચો સાથે ત્રાટકયો હતો. નાસભાગ મચતા ૬૦ શખસો વાહનો પડતાં મૂકી ઉઘાડા પગે જ ફાર્મના પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા.

પોલીસ પહેલા માળે પહોંચી ત્યારે મોટા હોલમાં નવ બોર્ડ બનાવીને જુદા જુદા લોકો તીન પત્તીનો જુગાર રમતા હતા. તેમની પાસેથી કુલ રૃ.  ૩,૭૮,૮૭૫ની રોકડ જપ્ત કરી હતી. ઉપરાંત રૃ. ૧,૨૯,૪૦૦ના ૭૧ ફોન, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર સહિત રૃ. ૧,૧૧,૮૭,૦૦૦નાં વાહનો, જુગાર રમવાનાં સાધનો મળીને કુલ રૃ. એક કરોડ, ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૬૯ આરોપીની ધરપકડ કરી હતી.

કલબના કાઉન્ટર પર બેઠેલા આરોપી મૌલિક ઉર્ફે ભુરા પાસે લાઇસન્સ માંગ્યું હતું, જે તેની પાસે ન હતું. તેથી તેની પણ ધરપકડ કરી હતી. ભુરાના કાઉન્ટર પરથી પોલીસને મોંઘી બ્રાન્ડના ઇંગ્લિશ દારૃની બે બોટલો મળી હતી. ભુરા પાસેથી ૧૫ હજારની રોકડ અને બે ફોન કબજે લેવાયા છે. કાઉન્ટરમાંથી શ્રેષ્ઠ જિમખાના પ્રા. લી., નાથીબા ફાર્મ હાઉસના સભ્યપદનું ઓળખપત્ર રજિસ્ટર, સ્ટાફ રજિસ્ટર, હિસાબી ચોપડા વગેરે કબજે લીધાં હતાં.

કારંજ પોલીસના પીએસઆઇ સી. પી. સાદિયાની ફરિયાદને આધારે પોલીસે જુગારધામ ચલાવવાનો અને જુગાર રમવાનો ગુનો દાખલ કરી ભુરા સહિત ૭૦ની ધરપકડ કરી હતી. તેના ભાગીદારોમાં કોચરબ ગામ ખાતે પરબડી વાસમાં રહેતા મહેન્દ્ર અંબાલાલ પટેલ ઉર્ફે મહેન્દ્ર કલગી અને પાલડી ખાતે સાગર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ ઉર્ફે કલગી ઠક્કરને ફરાર બતાવવામાં આવ્યા હતા. પોલીસે નબીરાઓની કારોનો કાફલો જપ્ત કર્યો તેમાં રાજકીય કનેકશન ધરાવતાં, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઇઝની કાર તેમજ એડવોકેટની કારોનો સમાવેશ થાય છે. પોલીસે પકડેલા જુગારીઓમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. તે પૈકી નરેન્દ્રસિંહ લખુભા ગોહિલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

૧.૧૭કરોડમાલમતા કબજે

રાજકીય આગેવાનો, એડવોકેટ, પોલીસ, સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ ઓફિસર સહિતના સંખ્યાબંધ નબીરાઓની મોટરકારોનો કાફલો પકડાયો શનિવારની મોડી રાત્રે ત્રણ આઇપીએસ, એક એસીપી સહિતનો પોલીસનો કાફલો કલગીના ગઢ પર ત્રાટક્યો
નાથીબા ફાર્મ પર દરોડો પડતાં ૬૦ જુગારિયા વાહનો પડતાં મૂકી ખુલ્લા પગે ખેતરોમાં રફુચક્કર
પોલીસ આવે તેની ચેતવણી મળી શકે તે માટે ક્લબ બહાર સીસી ટીવી કેમેરા ગોઠવાયા હતા પણ પોલીસે સાદા વેશમાં છાપા માર્યા

જુગાર રમતા પોલીસવાળાને અધિકારીઓએ ફટકાર્યો

અમદાવાદ : સોલા ગામમાં મોડી રાત્રીના જુગાર અંગે પોલીસે નાથીબા ફાર્મ હાઉસમાં રેડ કરી તે સમયે મણિનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી ત્યાં જુગાર રમતો હતો. આ પોલીસ કર્મીને અગાઉ સોલામાં વહીવટદાર તરીકે પીઆઇએ રાખ્યો હતો. જોકે તે સમયે દારૃ સાથે પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલને છોડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ પગલે પોલીસ અધિકારીએ તેની બદલી મણિનગર ખાતે કરી હતી. જોકે ફરી વખત સોલાની હદમાં આ કોન્સ્ટેબલને જુગાર રમતો જોઇને પોલીસ અધિકારી ઊકળી ઊઠયા હતા.

દોઢસો જોડી ચંપલો બૂટ મળ્યાં

અમદાવાદ : કલબમાં રેડ પડતા નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૭૦ જણાની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ અધિકારીઓની નજર કલબમાં પડેલા બૂટ ચંપલ પર પડી ત્યારે તેઓ ચોંકી ઊઠયા હતા. કેમકે ઓછામાં ઓછી દોઢસો જેટલી બૂટ ચંપલની જોડી કલબમાં પડી હતી. આમ એક સાથે આટલા બધા આરોપીઓ ભાગી ગયાની જાણકારી પોલીસને મળી હતી.

બે બોક્સ જેટલાં ગંજીફાનાં પાનાં અમદાવાદ : કલબમાં રમવા આવનાર વ્યક્તિ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે રેડ કરી ત્યારે મિનરલ વોટરની બોટલો તેમજ નાસ્તાના પડીકા સહિતની વસ્તુઓ પડી હતી જ્યારે કલબમાં પત્તાની અઢળક કેટો પડી હતી. પોલીસે આ ગંજીફાનાં પાનાં ભેગાં કર્યા ત્યારે પાનાંથી બે મોટાં ખોખાં ભરાઇ ગયાં હતાં.

૧૫ કલાકની મહેનત પછી આંકડો મળ્યો

અમદાવાદ : પોલીસે રેડ કરી ત્યારથી લઇને ૧૫ કલાક સુધી સતત કામગીરી ચાલી હતી. જે મુજબ તમામ આરોપીઓ પાસેથી મળી આવેલી રોકડ રકમના કાગળો તેમજ કેસ પેપર તૈયાર કરવામાં મહત્તમ સમય લાગ્યો હતો. પોલીસને તમામ મુદ્દામાલની વિગતો અને ફરિયાદની વિગતો પૂરી કરતા બીજા દિવસે બપોરે ચાર વાગ્યા સુધી કામગીરી કરવી પડી હતી. રેડમાં હાજર તમામ પોલીસ કર્મીની આંખમાં ઊંઘ ઊડીને આંખે વળગતી હતી.

No comments:

Post a Comment