Saturday, September 4, 2010

અમિત શાહ નું પરીક્ષણ થશે : CBIના ડોક્ટરો

સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં પકડાયેલા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહને ગૂમડું થવાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે સીબીઆઇ તેમના ડોક્ટરો મારફત અમિત શાહની બીમારીનું પરીક્ષણ કરાવશે. જો તેમની બીમારી ખોટી સાબિત થશે તો સીબીઆઇ સિવિલના ડોક્ટરો વિરુદ્ધ પણ ફરિયાદ કરે તેવી સંભાવના છે.

અમિત શાહ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક મહિના કરતાં વધુ સમય રહ્યા બાદ જેલની બહાર નીકળ્યા છે. અમિત શાહને ગૂમડું થયું હોવાથી છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ બીમારીના બહાના હેઠળ પરિવારના સભ્યો અને કાર્યકરોને મળી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સીબીઆઇએ અમિત શાહને જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં બહાર ખાનગીમાં સર્વેલન્સ ગોઠવી છે. આ અંગે સીબીઆઇ કોર્ટને રિપોર્ટ પણ કરવાની છે.

શાહને જે બીમારીથી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે તે બીમારીની સારવાર જેલની હોસ્પિટલમાં પણ થઇ શકે છે તેમ સીબીઆઇના સૂત્રો જણાવે છે. પરંતુ જેલસત્તાવાળાઓ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શાહની અમદાવાદ સિવિલમાં સારવાર કરવાની સલાહ આપ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.

સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યાનુસાર અમિત શાહની બીમારી ખરેખર સાચી છે કે, ખોટી તે તપાસવા તેમના ડોક્ટરોની પેનલ આગામી એક-બે દિવસમાં અમિત શાહની બીમારીનું પરીક્ષણ કરવાના છે. જો ડોક્ટરની પેનલ દ્વારા અમિત શાહની બીમારી ખોટી સાબિત થશે તો સીબીઆઇ સિવિલના ડોક્ટરો વિરુદ્ધ પણ ફરિયાદ કરે તેવી સંભાવના છે.

No comments:

Post a Comment