Thursday, December 30, 2010

કાંકરિયાની એક ટ્રીપ Rs. ૧૬૨૦માં પડશે

કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની અધધધ એન્ટ્રી ફી
સ્ટેન્‍ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી

કિડ્ઝ સિટીની ફી

બાળક ૧૦૦
વયસ્ક ૧૫૦

કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.


શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાઈ હતી.


ઉપરાંત કિડ્ઝ સિટીના સોવેનિયર સહિતના ચાર્જ નક્કી કરવા અને સંચાલન કરવાના નિયમો વગેરે જરૂરી કાર્યવાહી કરવા તથા ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.


મ્યુનિ. માલેતુજારોનાં બાળકો માટે નહીં પરંતુ આમ આદમી માટે ચાલતું હોવાનું અને સંસ્થાનું મનોરંજન માટે પણ સામાજિક ઉત્તરદાયિત્વ હોય તેવું ભૂલીને સત્તાના મદમાં મેયર અસિત વોરાએ એવું જણાવ્યું હતું કે ‘આ તો એન્ટરટેઈનમેન્ટની વાત છે. આવવું હોય તે આવે ન પોષાય તે ન આવે.’ હવે આવતીકાલે કિડ્ઝ સિટીનું ઉદ્દઘાટન ખુદ મોદીના હસ્તે છે ત્યારે તે પોતાના સપનાને બચાવી શકશે કે અસિત વોરાના હસ્તે રોળાવા દેશે તે તો કાલે જ જાણ થશે.
કિડ્ઝ સિટીનો સફાઈ ખર્ચ મહિને ૧.પ લાખ!
મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા લાખોનું આંધણ કરતાં બિનજરૂરી કોન્ટ્રાકટ આપી દેવાય છે અને અંતે પ્રજાએ તે બોજ સહન કરવાની નોબત આવે છે. સ્ટેન્ડિંગ કમિટીએ આવો જ એક નિર્ણય આજે કર્યો હતો. કિડ્ઝ સિટીની સફાઈનો કોન્ટ્રાકટ માસિક ૧.પ લાના ખર્ચે આપવાનું ઠરાવતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી જણાવ્યું હતું કે જયારે મશીનરી મ્યુનિ.ની હોય તો આટલી ઉંચી રકમનો કોન્ટ્રાકટ આપવાની કોઈ જરૂર નથી. મશીનરી મ્યુનિ.ની હોય તો આ કામગીરી ૭૦ રૂપિયાનો રોજમદાર પણ કરી શકે. જો મેયર અસિત વોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિતે પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવાની મમત છોડી પ્રજાના નાણાનો વિચાર કરવો જોઈએ. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો હતો કે કાંકરિયામાં બનાવાયેલા કિડ્ઝ સિટીનો સફાઈનો કોન્ટ્રાકટ ભારત વિકાસ ગૃપ ઈન્ડિયાને માસિક દોઢ લાખમાં આપવો.
કોંગ્રેસ કાર્યક્રમનો બહિષ્કાર કરી આંદોલન છેડશે
મ્યુનિ. વિરોધ પક્ષના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે કિડ્ઝ સિટીની ફી ઉપરાંત અન્ય તમામ ફી સામાન્ય વર્ગને પોષાય તેમ નથી. એક પરિવાર આવે તો કાંકરિયામાં તેને ૧ર૦૦થી ૧પ૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય. આવા તઘલખી નિર્ણયનો વિરોધ કરવા કોંગ્રેસ આવતીકાલના ઉદ્દઘાટનના કાર્યક્રમનો બહિષ્કાર કરશે. અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન પણ છેડશે.
બે બાળક સહિત ચાર વ્યક્તિના કુટુંબનો ખર્ચ
ખર્ચનું નામ
ફી
કુલ ખર્ચ
પ્રવેશ ફી
૧૦
૪૦
ટ્રેન
રપ
૧૦૦
તિથર્ડ બલૂન
૧૦૦
૪૦૦
પ્રાણી સંગ્રહાલય
૧૦
૪૦
કિડ્ઝ સિટી
૧૦૦/૧પ૦
પ૦૦
બાલવાટિકા
૧ર
બોટિંગ
૧૦
૪૦
નગીનાવાડી
૧૦
૪૦
એમ્યુઝમેન્ટ પાર્ક
પ૦
પ૦
નાસ્તો
ર૦૦
ર૦૦
કુલ રૂપિયા

૧૪રર

Friday, December 24, 2010

ચેસમાં ગુજરાતે સર્જ્યો વિશ્વવિક્રમ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સ્થળે ૨૦,૪૮૬ ખેલાડીઓએ એકીસાથે શતરંજ રમીને એક નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ અગાઉ મેક્સિકોમાં ૧૩,૩૪૬ ખેલાડીઓએ શતરંજ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાજ્યના ચેસના ખેલાડીઓએ આ વિક્રમ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં ગુજરાતને પ્રતિષ્ઠારૂપ સ્થાન અપાવ્યું છે.

સૌથી વધુ ખેલાડીઓ દ્વારા રમવાનો રેકોર્ડ
ચેસ ઘેર ઘેર રમાય તેવી નેમઃ નરેન્દ્ર મોદી

સ્વર્ણિમ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત ચેસ મહોત્સવમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ તારિકા વારાએ સત્તાવાર ઘોષણા કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત થયા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને હજારો રમતવીરોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. સ્વર્ણિમ ચેસ મહોત્સવમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનશક્તિના સાક્ષાત્કાર દર્શન કરાવતાં શતરંજની રમતને ઘેર ઘેર સુધી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,

અત્યાર સુધી ભારતના ફાળે ૨૯૯ વિશ્વવિક્રમ આવ્યા છે અને આજે ગુજરાતે શતરંજમાં વિશ્વવિક્રમ નોંધાવીને ૩૦૦માં વિક્રમની ભેટ આપી છે. ગુજરાતે અગાઉ અમદાવાદમાં ૧૧ લાખ વૃક્ષો રોપી, ૫૦ લાખ લોકોએ પુસ્તક વાંચી, તાનારીરી સંગીત મહોત્સવમાં ૯૯ કલાકની ગાયકીના રેકોર્ડ સ્થાપ્યા છે. શતરંજની રમત એ આજની લાઇફ સ્ટાઇલમાં ધૈર્ય અને ધીરજના ગુણ શીખવે છે અને માનસિક મનોબળ મજબૂત બનાવે છે. શતંરજએ રમત નહીં પણ જિંદગી જીવવાની કલા છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન છે ત્યારે આ રમત શાળા અને પરિવારમાં વધુ પ્રચલિત બને તેવી સરકારની નેમ છે.

વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે આ અનેરા પ્રસંગે જણાવ્યું કે, ‘એક વર્ષ અગાઉ શતરંજની સ્પર્ધાનો વિચાર મુખ્યમંત્રીએ ખુદ રજૂ કર્યો ત્યારે તેમની દીર્ઘદૃષ્ટિનો મને પરિચય થયો. મારી એક ઇચ્છા રહી હતી કે શતરંજની રમત વધુ ને વધુ પ્રચલિત બને. જે ગુજરાત સરકારે સાકાર કરીને બતાવ્યું છે. આજે ગુજરાતે જ્યારે એક રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે મને અનહદ ખુશી થઇ છે.’  રમતગમત મંત્રીએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કુલ ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ શતરંજની રમતમાં પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. એકી સાથે ૬૪ ટેબલ પર શતરંજ રમતાં ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથનને પણ પ્રભાવિત કર્યાં હતા. મુખ્યમંત્રીએ પણ ૧૦ હજાર ટેબલ પર શતરંજ ખેલતાં ખેલાડીઓને નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા.

આનંદ માટે ૨૪-૧૨ ફરી આનંદમય

અમદાવાદ : વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ માટે ૨૪ ડિસેમ્બરનો દિન ફરી મહત્ત્વનો બની રહ્યો હતો. ૨૦૦૦માં આ જ દિવસે તેણે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને આ જ દિવસે ગુજરાતે પણ ચેસમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

Tuesday, December 21, 2010

અમદાવાદ-મુંબઇમાં મોટા આતંકી હુમલાની આશંકા

- ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઇન્ડિયન મુજાહિદ્દીન સહિતના ૩૩ ભાગેડુ આતંકીઓ હુમલાની પેરવીમાં
- કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ ત્રાસવાદીઓની વાતચીત આંતરતા મળેલી સ્ફોટક વિગતો બાદ બંને શહેરોમાં એલર્ટ જાહેર

ગુજરાત પોલીસને શક છે અને બાતમી મળી છે કે ઈન્ડિયન મુજાહિદ્દીનના ત્રણ શંકાસ્પદ ત્રાસવાદીઓ, મુજીબ, આફ્રીદી પઠાણ અને સુભાન એલિયાસ તૌકીર અમદાવાદમાં ઘૂસી ગયાં છે. પોલીસ, ઓટીએસ હાઈ એલર્ટ પર છે. સાંજે ચાર વાગ્યે આ અંગે પત્રકાર પરિષદ પોલીસ સંબોધશે, સમગ્ર અમદાવાદ શહેરમાં સઘન ચેકિંગ.

ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત બનતાં બે મહાનગરો અમદાવાદ-મુંબઇમાં ત્રાસવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. રેલવેમાં પણ ડોગ સ્કવોડ સાથે ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદીઓની વાતચીત આંતરતા હુમલાની હકીકત ઉજાગર થઈ છે. લશ્કર-એ-તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આતંકીઓ આ બંને શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને હુમલો કરે તેવી સંભાવના છે, એમ ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, તાજેતરમાં વારાણસીના ઘાટ પર ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. બાદમાં આતંકીઓએ ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગોધરા રમખાણોના કેસમાં ક્લીનચીટ આપવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેમણે મુંબઈ જેવાં મહાનગરોમાં પણ તબાહી મચાવવાની ધમકી આપી હતી. જેના કારણે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ સતર્ક બની ગઈ હતી.

દરમિયાન સંસ્થાઓએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓ અને ભારતમાંના સ્લીપર સેલના સભ્યો વચ્ચે થયેલી વાતચીત આંતરી હતી. જેમાં આતંકીઓએ મુંબઈ અને અમદાવાદમાં હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું ઉજાગર થયું હતું. જે પછી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને આ બાબતે એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આરોપીઓની યાદી પણ સોંપવામાં આવી હતી. આ યાદી પૈકીના ૧૦ જણા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં હોવાની સંભાવના છે. તેથી તેમને પકડવા તમામ શહેર અને જિલ્લા પોલીસને એલર્ટ કરવામાં આવી છે.

એટીએસના વડા અજય તોમરે કહ્યું છે કે અમને કેન્દ્રીય એજન્સીઓ તરફથી અમદાવાદ અને મુંબઈમાં આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરતો અહેવાલ મળ્યો છે. અમને જ્યારે પણ આવા અહેવાલ મળે છે ત્યારે અમે ગંભીરપૂર્વક તપાસ કરીએ છીએ અને આ વખતે પણ કરી રહ્યા છીએ.

Thursday, December 9, 2010

ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય શાહનવાઝના ગુજરાત સંપર્કોની તપાસ

વારાણસીમાં વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ડો. શાહનવાઝ હોવાનું ઉત્તરપ્રદેશ પોલીસની તપાસમાં ખૂલ્યુ છે. તેની સાથે હાલ દુબઈસ્થિત અસદઉલ્લા અખ્તરની પણ સંડોવણીની શંકા છે. શાહનવાઝનો ભાઈ સૈફ ઉર્ફે રાહુલ શર્મા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાલ સાબરમતી જેલમાં બંધ છે. અમદાવાદ બ્લાસ્ટમાં પણ શાહનવાઝની સંડોવણી હોય શકે છે જે આધારે  ગુજરાત પોલીસે તેના સંપર્કા શોધવા રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાબરમતી જેલમાં બંધ શાહનવાઝના ભાઈ સૈફની પુછપરછ માટે કાલે યુપી પોલીસ આવે તેવી શક્યતા છે.

વારાણસી બ્લાસ્ટઃઅમદાવાદના વોન્ટેડ આરોપીઓ પૈકીના એકે મુંબઈથી ઈ-મેઈલ કર્યો ?
સાબરમતી જેલમાં બંધ શાહનવાઝના ભાઈ સૈફની પૂછપરછ માટે આજે યુપી પોલીસ આવે તેવી શક્યતા

શાહનવાઝનો ભાઈ સૈફ અગાઉ દિલ્હીના બાટલા હાઉસ બ્લાસ્ટમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાયા બાદ અમદાવાદ વિસ્ફોટમાં સંડોવણી ખૂલતા સૈફને અહીં લવાયો હતો. શાહનવાઝ જયપુર અને દિલ્હી બ્લાસ્ટમાં પણ વોન્ટેડ છે.

૩૦ વર્ષનો શાહનવાઝ મૂળ આઝમગઢનો છે.  દિલ્હી બ્લાસ્ટ પછી અસદઉલ્લા દુબઈ ભાગી ગયો હતો. શાહનવાઝને મુંબઈ પોલીસ પણ શોધી રહી છે. શાહનવાઝનું નામ ખૂલતા જ ગુજરાત એટીએસ તેમજ એસઓજીની ટીમો બનાવી તેના સંપર્કો તેમજ તેના સાગરીતો સહિત શંકાસ્પદોને ઝબ્બે કરવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ગુજરાત એટીએસની એક ટીમ વારાણસી જઈ રહી છે.

ઈ-મેઈલ મુંબઈ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ ઈ-મેઈલ અમદાવાદ બ્લાસ્ટના ૩૬ વોન્ટેડ આરોપી પૈકીના એકે કર્યો હોવાનું અનુમાન  છે. ગુજરાત પોલીસસુત્રો પ્રમાણે, ઈન્ડીયન મુજાહુદ્દીનનું નોર્થ અને સાઉથ મોડયુલ સતત સંપર્કમાં હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. કેમ કે, વારાણસી નોર્થમાં આવેલુ છે જયારે ઈ-મેઈલ મુંબઈથી મોકલવામાં આવ્યો છે. જો આ બંન્ને મોડયુલ સંપર્કમાં હોય તો ગુજરાતને મોટો ખતરો હોય શકે. બીજીતરફ મુંબઈથી મોકલવામાં ઈ-મેઈલ અને ભૂતકાળમાં અમદાવાદ બ્લાસ્ટ પછી મળેલા ઈ-મેઈલનું એનાલીસીસ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ બ્લાસ્ટમાં ઈ-મેઈલ મોકલનાર અકબર અને મોહસીન પૈકી મોહસીન ચૌધરી હજુય વોન્ટેડ છે.

દ્વારકા, સોમનાથ, જગન્નાથ મંદિરની સુરક્ષા વધારાઇ

વારાસણી બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતા ઈ-મેઈલમાં ઈન્ડિયન મુજાહિદ્દીને મંદિરોને ટાર્ગેટમાં લીધા હોવાના ખુલાસાને પગલે દ્વારકા, સોમનાથ, જગન્નાથ સહિતનાં મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો હોવાનું કાયદો અને વ્યવસ્થાના વડા સુધીરસિન્હાએ જણાવ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાનના મંદિરમાં આર્મી દ્વારા મોબાઈલ જામર ગોઠવી દેવામાં આવ્યા છે.

Wednesday, December 8, 2010

જજોની નિમણૂક મુદ્દે હાઈકોર્ટમાં હડતાળ

હાઈકોર્ટમાં એકતરફ દર વર્ષે હજારોની સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જ્યારે તેના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે કુલ જજોની મંજૂર કરેલી જગ્યાઓ પૈકી માંડ અડધા હોદ્દાઓ પર જ નિમણૂક થઈ છે. આ સામે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરફથી નવા નામોની ભલામણ થયે ૧૯ મહિના થવા છતાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્રીય કાયદા મંત્રાલય અને વડાપ્રધાન કચેરી સુદ્ધાં કોઈએ આ અંગે કાર્યવાહી કરી ન હોવા સામે આજે હાઈકોર્ટના વકીલોનો રોષ ભભૂકી ઊઠયો હતો. હાઈકોર્ટ પ્રત્યેના આ વલણના વિરોધમાં તમામ વકીલોએ કાર્યવાહીનો જડબેસલાક બહિષ્કાર કર્યો હતો. જો ટૂંક સમયમાં હકારાત્ત્મક પ્રતિભાવ નહીં મળે તો અનિશ્ચિત મુદતની હડતાળનું પગલું ભરવાની પણ તૈયારી દર્શાવી છે.

ન્યાયતંત્ર પ્રત્યેના પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલો રોષે ભરાયા 


૧૯ મહિના પૂર્વે જજોનાં નામોની ભલામણ કરી હોવા છતાં નિષ્ક્રિયતા : ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ના બદલે ફક્ત ૨૩ જજ

છેલ્લા ઘણાં મહિનાથી ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને હાઈકોર્ટમાં જજોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રયાસ હાથ ધર્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ જજની નિમણૂક મંજૂર થઈ છે, પરંતુ હાલ માત્ર ૨૩ જજ છે. બીજી તરફ પૂર્વ જસ્ટિસ એસ. રાધાકૃષ્ણને ૨૦૦૯માં નવા જજ તરીકે ૧૨ નામની ભલામણ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના નવ જજની બંધારણીય બેન્ચે (કોલેજિયમ) અભિપ્રાય નિશ્ચિત કરી કેન્દ્રીય કાયદા મંત્રાલયને આખરી મંજૂરી માટે મોકલ્યો હતો. હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ આ અંગે કહ્યું હતું કે, હાઈકોર્ટના વકીલો તરફથી સુપ્રીમ કોર્ટમાં પાંચ વખત, કેન્દ્રીય કાયદા મંત્રીને ૧૦ અને વડાપ્રધાન કચેરી સમક્ષ બબ્બે વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી. ગુજરાતની રાજકીય નેતાગીરી સાથે કેન્દ્ર સરકારને જે રાજકારણ રમવું હોય તે રમે પણ ન્યાયતંત્ર પ્રત્યેના આ પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલોએ રોષ વ્યક્ત કરવા હડતાળ પાડી છે.

નોંધનીય છે કે, આજે સવારથી જ એસોસીએશનના અગ્રણીઓએ હાઈકોર્ટના બે મુખ્ય દરવાજા પર ગોઠવાઈ જઈને રોજિંદા ક્રમ મુજબ આવતા વકીલોને કાર્યવાહીથી અળગા રહેવા વિનંતી કરી હતી. જેનો પ્રતિભાવ એવો સજ્જડ હતો કે, એકમાત્ર એડ્વોકેટ કિશોર પાલ સિવાય કોઈ જ વકીલ કેમ્પસમાં પ્રવેશ્યા ન હતા. ત્યાર પછી સવારે ૧૧:૦૦ વાગ્યે જજોએ સ્થાન ગ્રહણ કર્યા બાદ સરકારી વકીલોને પણ કાર્યવાહી વિનાના જોઈને મોટાભાગના જજ બોર્ડ પરના તમામ કેસમાં ક્લાર્કને નવી મુદતની સૂચના આપી ચેમ્બરમાં જતા રહ્યા હતા.

‘ગુજરાત એ વિવાદિત જજોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી’

બીજા રાજ્યોની હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી કરાતા કેટલાક જજ અંગે હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને ગંભીર પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યાનુસાર અન્ય રાજ્યોમાં જે જજ સામે કૌભાંડ કે અનિયમિતતા જેવી ફરિયાદ ઉઠે તેમને અહીં ટ્રાન્સફર કરાય છે. ગુજરાત એ વિવાદાસ્પદ જજો માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી તેમ કહેતા એસોસીએશન પ્રમુખે કહ્યું હતું કે, આગામી સમયમાં પંજાબ-હરિયાણાના બે, મદ્રાસ હાઈકોર્ટના એક અને ઓરિસ્સાના એક  જજની ગુજરાતમાં બદલી થઈ રહી છે. આ ચારેય જજ સામે વિવિધ ફરિયાદો થયેલી છે.

Thursday, December 2, 2010

SITની નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ!

  • એસઆઈટીએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
  • 2002ના રમખાણોના મામલામાં ક્લિનચીટ
  • એસઆઈટીને મોદી વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નહીં
  • એસઆઈટીના સૂત્રોને ટાંકી અંગ્રેજી અખબારમાં અહેવાલ
  • જજોને સોંપાયેલા સ્ટેટસ રિપોર્ટમાંથી કોઈ જાણકારી નહીં



સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી દીધી છે. એસઆઈટીના રિપોર્ટમાં મોદીને આ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી પર દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરનીના વિધવા ઝકીયા જાફરીએ આરોપ લગાવ્યો હતો કે ગોધરા કાંડ બાદ 2002ના હુલ્લડો સમયે નરેન્દ્ર મોદીએ પોતાની બંધારણીય જવાબદારીઓનું વહન કર્યું ન હતું.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એક અંગ્રેજી અખબારે એસઆઈટીના સૂત્રોને ટાંકીને આ રિપોર્ટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ છ દિવસ પહેલા જ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને સોપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગત વર્ષ 27 એપ્રિલે સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક આર. કે. રાઘવનની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીને ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકીયા જાફરનીની ફરિયાદ પર તપાસ કરવાનું કહેવાયું હતું. ત્યાર બાદ એસઆઈટીએ જાફરીની ફરીયાદમાં આરોપી બનાવાયેલા શખ્સો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહીતના શખ્સોની તપાસ કરી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એસઆઈટી દ્વારા પુછપરછ 9 કલાક સુધી ચાલી હતી.


ઝકીયાએ મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હુલ્લડખોરોને ભડકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝકીયાના પતિ અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની ગુજરાતના કોમી રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાય હતી. આરોપ લાગ્યો હતો કે પોલીસે હુલ્લડોને રોકવા માટે કંઈ જ કર્યું ન હતું. સુપ્રિમ કોર્ટની જસ્ટિસ ડી. કે. જૈન, જસ્ટિસ પી. સદશિવમ અને જસ્ટિસ આફતાબ આલમની ખંડપીઠ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ થયેલા રિપોર્ટ સંદર્ભે હજી સુધી કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ રિપોર્ટ આપનારા અગ્રણી અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીએ ઝકીયા જાફરીની ફરીયાદ પર તપાસ પૂરી કરી દીધી છે અને તેને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવાઓ હાથ લાગ્યા નથી.