ગુજરાત સરકારે લગભગ R 12 હજાર કરોડના અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રસ્તાવિત 'સાઈટ સર્વે' પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.
રાજ્યના બંદર અને પરિવહન વિકાસ અધિક મુખ્ય સચિવ બી. કે. સિંહાએ માહિતી આપી હતીકે, "મેટ્રો પ્રોજેક્ટ અંગેના સર્વે બે વખત પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. હવે, તેને શરૂ કરવા માટે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે." આ અંગે ડીએમઆરસી દ્વારા જમીનની સમસ્યાના પગલે પ્રથમ તબક્કામાં ઉપરથી જ રૂટને પસાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ હશે.
- અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ફાસ્ટ-ટ્રેક પર ચડ્યો
- પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે
- L&T ની PPPના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી
- નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો માર્ગ અંડરગ્રાઉન્ડ હશે
- સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે
જાણીતી નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. ઉપરાંત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી છે. આ માટેના કરાર તાજેતરમાં સંપન્ન થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2011માં કરવામાં આવ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના મેટ્રો પ્રોજેક્ટ માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ માટે વિશેષ કંપની ઊભી કરવામાં આવી છે. જેની R 200 કરોડની સત્તાવાર મૂડી હશે જ્યારે R 10 કરોડની પેઈડ-અપ કેપિટલ હશે. મેટ્રોમાં દૈનિક સત્તર લાખ પ્રવાસીઓ આવ-જા કરશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.
આ મેટ્રો એપીએમસી, વાસણાથી અક્ષરધામ વાયા આશ્રમ રોડ અને કોબા સર્કલ (32.65 કિલોમીટર) ચાલશે. જેમાં 31 સ્ટેશન આવરી લેવામાં આવશે. પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે જે વાયા સાબરમતિ રિવર ફ્રન્ટ અને દિલ્હી દરવાજા ચાલશે. (10.90 કિમી)ના આ રૂટ પર 11 સ્ટેશન આવેલા છે. સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે.
બીજા તબક્કામાં સરકાર સરખેજ થી ગાંધીનગરના ઈંદ્રોડા સર્કલ સુધી લાઈન નાખવા માગ છે. જ્યારે વાસણા થી સરખેજની વચ્ચે અન્ય એક લાઈન પાથરવામાં આવશે. સરકારે વર્ષ 2005માં મેટ્રો માટે સર્વે કરાવ્યો હતો. જોકે, પાછળથી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમને પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

No comments:
Post a Comment