Wednesday, February 16, 2011

સેનેટની ચૂંટણીમાં ABVP, વેલફેર બોર્ડમાં NSUIનો ડંકો


વિદ્યાર્થી સેનેટમાં સાત બેઠકો પર એબીવીપીનો ત્રણ બેઠકો પર એનએસયુઆઈનો કબજો

બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરમાં કુલ આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની ૮ બેઠકની ચૂંટણીના પરિણામમાં એબીવીપીએ છ બેઠકો પર અને એનએસયુઆઈએ બે બેઠકો પર જીત મેળવતા ઘણાં વર્ષો બાદ એનએસયુઆઈનું પ્રભુત્વ ઘટ્યું છે. જો કે બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણીમાં એનએસયુઆઈના આઠ ઉમેદવારો વિજેતા બન્યા છે,તેની સામે એબીવીપીના માત્ર બે ઉમેદવારોએ જીત મેળવતા તેમાં એનએસયુઆઈનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

મંગળવારે મતગણતરીની પ્રક્રિયા અને બિનહરીફ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે તો વિદ્યાર્થી સેનેટની અગાઉ બિનહરીફ સાથેની મળીને કુલ ૧૦ બેઠકોમાંથી સાત બેઠકો એબીવીપીના ફાળે, ત્રણ બેઠકો એનએસયુઆઇને મળી છે. બીજી તરફ બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકોમાંથી આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને ફાળે ગઈ છે.

મંગળવારે વહેલી સવારથી યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિદ્યાર્થી સેનેટ હોલ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ચૂંટણીનાં પરિણામો જાણવા માટે એબીવીપી-એનએસયુઆઈના ઉમેદવારો - મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઊમટી પડ્યા હતા. એક પછી એક પરિણામોની જાહેરાત થતાં વિજેતા ઉમેદવાર- સમર્થકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને વિજયી સરઘસ નીકાળ્યા હતા.

Monday, February 14, 2011

ગુજરાત યુનિ. વિદ્યાર્થી સેનેટની મતગણતરી શરુ


ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની વિદ્યાર્થી સેનેટની આઠ અને બોર્ડ ઓફ 10 બેઠક માટે ચૂંટણી રવિવારે યોજાઈ હતી. તેની મતગણતરી આજે સવારે યુનિવર્સિટી ખાતે આવેલ સેનેટ હોલ ખાતે પ્રારંભ થયો છે. સવારે 10 કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો.

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની વિવિધ વિદ્યાશાખાની આઠ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણી રવિવારે ૧૧થી પ સુધી યોજાઈ હતી.

વિદ્યાર્થી સેનેટની ૧૦ બેઠકોમાંથી બે (મેડિકલ-ડેન્ટલ) બેઠકો, બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકમાંથી ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

એલિસબ્રિજની જી.એલ.એસ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોમર્સ-આર્ટ્સની બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની એજ્યુકેશનની બેઠક માટે મતદાન થયું હતું.

જ્યારે આશ્રમરોડની સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સ ખાતે ગ્રેજ્યુએટ લેવલની કોમર્સની બેઠક માટે,વસ્ત્રાપુર સ્થિત આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ ખાતે ગ્રેજ્યુએટ- પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની સાયન્સ બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની લો શાખાની બેઠક માટે મતદાન રાખવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ જિલ્લાની કોલેજોમાં આવેલા બાવન મતદાન કેન્દ્રોમાં મતદાન થયું હતું.

Tuesday, February 8, 2011

આજે વસંત પચંમીઃ ગુજરાતમાં હજારો લગ્ન


- સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે

- મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો

સમગ્ર ગુજરાતમાં આજે વસંત પંચમીના રોજ હજારોની સંખ્યામાં લગ્ન યોજાઈ રહ્યાં છે. લગ્ન માટે વસંતપંચમી શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે.

આજે ૮મી ફેબ્રુઆરીએ, મહા સુદ પાંચમ છે, જે વસંત-પંચમી, શ્રી પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસમાં શુભ કાર્યો કરવા લોકો કાગડોળે રાહ જોતા હોય છે.

એક અંદાજે વસંત પંચમીના શ્રેષ્ઠ અને શુભ મૂર્હૂતમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં અંદાજે બે હજારથી વધારે લગ્ન યોજાશે. એક જ દિવસમાં શુભ પ્રસંગોની ભરમાર થતાં મેરેજ હોલ, રસોઇયા, બેન્ડવાળાના એડવાન્સ બુકિંગ કરાવવા પ્રસંગો યોજનારને દોડધામ કરવી પડી રહી છે.

એક દિવસે વધારે સંખ્યામાં લગ્ન હોવાથી મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો પડ્યો હતો. એક દિવસે વધારે સંખ્યામાં વરઘોડા નીકળવાને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.