Monday, May 31, 2010

એક વર્ષ સુધી રિમાંન્ડ પર રહેલો મહાઠગ અશોક જાડેજા


સી આઈ ડી ક્રાઈમ ૩૧-૫-૦૯ના રોજ શ્યામલ ચાર રસ્તા નજીકથી જાડેજા, તેની પત્ની નીતુ હાકમ ખોજા, તુકારામ ભુઠ્ઠા અને ગુલામને પોણા બે કરોડ સાથે પકડયા હતા..! વહાણવટી સીકોતર માતાના નામે ૯ રાજ્યોમાં પથરાયેલા ૯ લાખ લોકોને એકના ત્રણ ગણાના સ્વપના દેખાડી રૂ ૬૫૦ કરોડનું કૌભાંડ આચરનાર મહાઠગ અશોક જાડેજા, જુદા જુદા કેસોમાં સતત એક વર્ષ સુધી રિમાન્ડ પર રહેનારો ગુજરાતનો પહેલો આરોપી બન્યો છે..!


  • ૩૧મી મે, ૨૦૦૯થી સીઆઈડીની કસ્ટડીમાં રહેવાનો જાડેજાનો રેકોર્ડ
  • સતત એક વર્ષથી સતત રિમાન્ડ લેવાનો સીઆઈડીનો પણ રેકોર્ડ
  • પહેલી જૂન ‘૧૦ના રોજ જાડેજાના રિમાન્ડને પણ એક વર્ષ પૂર્ણ થશે
  • અન્ય ત્રણ સાગરીતો પણ એક વર્ષથી સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાં
  • નવ રાજ્યની પોલીસ જાડેજાની પૂછપરછ કરવા રાહ જોઈ રહી છે


સી આઈ ડી ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના સૌથી મોટા ભેજાબાજ ઠગ તરીકે ઉભરી આવેલા જાડેજા સામે મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મિર, રાજસ્થાન અને ગુજરાત સહીત ૯ રાજ્યોમાં છેતરપીંડીના અનેક કેસો નોંધાયેલા છે. જે પૈકીના ૪૪ કેસો તો ગુજરાત સી આઈ ડી ક્રાઈમ પાસે જ છે..! અત્યાર સુધી સી આઈ ડી ક્રાઈમે કુલ ૮ મહિલાઓ સહીત કુલ ૩૭ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ૨૦થી વધુ આરોપીઓ હજી પણ ફરાર છે.

પોલીસ કહે છે કે જાડેજા સામે અન્યો રાજ્યોમાં પણ કેસો નોંધાયેલા હોવાથી ગુજરાત પોલીસના રિમાન્ડ પુરા થતાં જ જે તે રાજ્યોની પોલીસ અશોક જાડેજાને પોતાની કસ્ટડીમાં લઈ લેશે. તેથી હજી એકાદ વર્ષ સુધીના ભારત ભ્રમણ દરમિયાન તે રિમાન્ડ પર રહેશે તેવી સંભાવના છે. જો કે બીજી બાજુ જાડેજાએ તેની સામે તમામ કેસો ગુજરાત સી આઈ ડી ક્રાઈમમાં ટ્રાન્સફર કરવા અદાલતના દ્વાર ખખડાવ્યા છે. જો કે અદાલત તેની અરજી મંજુર રાખે તો જાડેજા એન્ડ કુંપની ભારત ભ્રમણની મહાયાતનામાંથી બચી શકે એમ છે.

આ આરોપીઓમાં આઠથી નવ મહિલાનો સમાવેશ થાય છે. આ દરમિયાન હાકમ છારા સીઆઈડી ક્રાઈમની કસ્ટડીમાંથી શંકાસ્પદ રીતે ફરાર થઈ ગયો હતો. પરંતુ જાડેજા અને તેના અન્ય બે સાગરિત સતત એક વર્ષથી સીઆઈડીની કસ્ટડીમાં છે. આ ત્રણેય આરોપીઓના સતત લંબાઈ રહેલા રિમાન્ડને પહેલી જૂન, ૨૦૧૦ના રોજ એક વર્ષ પૂર્ણ થશે.

જોગાનુજાગ સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજી વી.વી. રબારી ૩૧મી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, અને આ જ દિવસે જાડેજાની ધરપકડને પણ એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. નોંધનીય છે કે, આ કૌભાંડની તપાસમાં સુપરવિઝન ઓફિસર તરીકે ડીવાયએસપી આર. કે. પટેલ સતત એક વર્ષથી ફરજ બજાવી રહ્યા છે જયારે તપાસ અધિકારી તરીકે પીઆઇ ટી. એન. મલેક છે. સીઆઈડી ક્રાઈમ હાલ આ કેસમાં ૪૪ ફરિયાદની તપાસ કરી રહી છે. જેમાં અત્યાર સુધી તબક્કાવાર કુલ રૃ. ૭૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ કેસની તપાસ ચાલુ છે અને અન્ય રાજ્યોની પોલીસ પણ અશોક જાડેજા અને તેના સાગરિતોની પૂછપરછ કરવા રાહ જોઈ રહી છે. આમ અશોક જાડેજાના રિમાન્ડ હજુ પણ વધી શકે છે.

રાજસ્થાનના અનેક રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓના નામ ખૂલ્યા હતા..!

અશોક જાડેજાના નાર્કો ટેસ્ટ દરમિયાન રાજસ્થાનના અનેક રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓએ જાડેજાનો ઉપયોગ કરીને એકના ત્રણ કર્યા હોવાનો ખુલાશો થયો હતો. કેટલાક તો તે પૈસાથી સ્થાનિક ચુંટણી પણ લડયા હોવાની ચર્ચા લોકોમાંથી થતી હતી.

જાડેજાની તપાસ નિષ્ઠાપૂર્વક થઈ હોવાનો અમને ગર્વ છે : પોલીસ વડા

પોલીસ વડા એસ એસ ખંડવાવાલાએ પણ કબૂલ્યું હતું કે જુદા જુદા કેસોમાં સતત એક વર્ષ સુધી રિમાન્ડ પર રહેનારો ગુજરાતનો પ્રથમ આરોપી અશોક જાડેજા છે. બીજા નંબરે, શહેરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાના આરોપસર ૧૭ કેસોમાં પકડાયેલા ઈન્ડીયાન મુજાહીદ્દીનના કથીત આતંકવાદીઓ છે, કે જેમણે ૧૫૦થી વધુ દિવસના રિમાન્ડનો સામનો કર્યો હતો.

Sunday, May 30, 2010

ધો.૧૦માં માર્કશીટમાં જ પ્રમાણપત્ર નો સમાવેશ.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામા લેવાયેલી ધો. ૧૦ એસએઅસસીની પરીક્ષાનું પરિણામ આગામી તા. ૩જી જૂને જાહેર થનારુંં છે. જોકે પરીક્ષાના ફોર્મ જ્યારે જાન્યુઆરી મહિનામાં ભરવામાં આવ્યા ત્યારે પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષા ફી ઉપરાંત માર્કશીટ માટે રૃ.૧૦ અને પ્રમાણપત્ર રૃ.૧૦ અલગથી ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ હવે નિર્ણય એવો લેવાયો છે કે તમામ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને માર્કશીટ તેમજ પ્રમાણપત્ર એક સાથે એક જ સીટમાં આપવું. જો આમ કરવામાં આવે તો ઘણો ખર્ચ બચી શકે તેમ છે. પરંતુ બચેલી લાખો રુપિયાની રકમ વિદ્યાર્થીઓને પરત મળશે કે કેમ ? તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ધો. ૧૦ની પરીક્ષામાં ૮,૭૨,૬૧૬ પરીક્ષાર્થીઓ બેઠા હતા. જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ૯૧ હજાર પરીક્ષાર્થીઓનો ઉમેરો થયો છે. આ આંકડાને લક્ષમાં લેવામાં આવે તો દરેક પરીક્ષાર્થી પાસેથી રૃ. ૨૦ લેખે કુલ્લે રૃ. ૧,૭૪,૫૨,૩૨૦ની રકમ ઉઘરાવવામાં આવી છે.

બોર્ડ દ્વારા વિદ્યાર્થીને સામાન્ય રીતે જે માર્કશીટ આપવામાં આવે છે તેની સાઇઝ નવ બાય સાત ઇંચની હોય
છે. નાપાસ થનારા વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન હોતો નથી. તેથી દર વર્ષે સ્વાભાવિક રીતે આવી રકમ બોર્ડ પાસે બચતી રહે છે. પરંતુ આ વર્ષે બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે પાસ થનારા તમામ પરીક્ષાર્થીઓને માર્કશીટની અંદર જ ઉપરના ભાગે જ પ્રથમ પ્રયત્ને પાસ થયાનું પ્રમાણપત્ર પણ માર્કશીટમાં જ પ્રિન્ટ કરીને આપી દેવુ તેથી અલગથી પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય.

જોકે આ પ્રકારના નિર્ણયના કારણે  ૮,૭૨,૬૧૬ જ માર્કશીટ છાપવાની રહે છે. બોર્ડનું ધો. ૧૦નું પરિણામ સામાન્ય રીતે ૭૦ ટકા કે તેનાથી ઊંચુંુ આવતું રહે છે. તે જોતાં બોર્ડ દ્વારા આ પ્રકારે ૬.૧૦ લાખ જેટલા પ્રમાણપત્ર અલગથી છાપવાનો ખર્ચ બચાવી લેવાયો છે. બીજી તરફ હાલ જે માર્કશીટ અપાય છે તેની સાઇઝમાં એક ઇંચનો વધારો કરીને તે નવ બાય નવ ઇંચની કરી દેવાઇ છે.

અગાઉની જે માર્કશીટ છે તેની પડતર કિંમત સરેરાશ રૃ. ૬.૫૦ જેટલી થાય છે. બોર્ડના જ સૂત્રોના જણાવ્યા મુજબ એક ઇંચની સાઇઝનો વધારો થતાં પ્રતિ માર્કશીટ- પ્રમાણપત્રનો ખર્ચ રૃ. ૦.૫૦ પૈસા વધતાં તેની પડતર કિંમત રૃ. ૭ જેટલી થવા જઇ શકે છે. આ બાબતને લક્ષમાં લેતા બોર્ડને પાસ થનારા ૬.૧૦ લાખ જેટલા પરીક્ષાર્થીઓને રૃ. સાત લેખે અલગથી પ્રમાણપત્ર આપવાનો ખર્ચ બચી રહેતા આ રકમ લગભગ રૃ. ૪૨.૭૦ લાખથી પણ વધુ થવા જાય છે.

ઉપરાંત નાપાસ વિદ્યાર્થીઓને જે માર્કશીટ આપવાની થાય છે તે તો જૂની સાઇઝ પ્રમાણે જ બનાવવાનો નિર્ણય લેવાયો છે તેથી તે માર્કશીટની કિંમત રૃ. ૬.૫૦ પ્રમાણે જ થવા જઇ રહી છે. તે તબક્કે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રકારના ફેરફારના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓ પાસેથી રૃ. ૨૦ લેખે જે ફી ઉઘરાવવામાં આવી છે તેના બદલે ખર્ચ માત્ર રૃ. ૭ પ્રમાણે જ થઇ રહ્યો છે તો બાકીની રકમ વિદ્યાર્થીઓને પરત મળી શકશે ખરી ?

બોર્ડના ચેરમેન હસમુખ અઢિયા કહે છે કે :- 


અમદાવાદ : બોર્ડના ચેરમેન હસમુખ અઢિયાનો આ સંદર્ભે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, માર્કશીટ તથા પ્રમાણ પત્ર એક સાથે જ પ્રિન્ટ કરીને આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ કેટલા રૃપિયા માર્કશીટ માટે અને કેટલા રૃપિયા પ્રમાણપત્ર માટે ઉઘરાવવામાં આવ્યા હતા તેનો મને હાલ કોઇ ખ્યાલ નથી. અગાઉ કેવી રીતે પૈસા પરત અપાયા હતા કે નહીં તેનો પણ મને કોઇ આઇડિયા નથી.પરંતુ જે કોઇ નિર્ણય લેવાશે તે વિદ્યાર્થીઓના હિતને લક્ષમાં લઇને લેવાશે.

વિદ્યાર્થીઓને રકમ પરત આપવી જોઈએ

અમદાવાદ : ધો. ૧૦ના પરીક્ષાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલી રકમમાંથી લગભગ રૃ.૫૦ લાખ જેટલી બચત નવા નિર્ણયના કારણે થઇ રહી છે ત્યારે વધેલી રકમ પરીક્ષાર્થીઓને પરત કરવી જોઇએ તેવી માગણી જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ કરી છે. પરંતુ વહીવટી દ્રષ્ટિએ જો તે શકય ના હોય તો રૃ. ૫૦ લાખ જેવી આ માતબર રકમ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો કોઇ ખાસ પ્રોજેકટ ઊભો કરવો જોઇએ. બોર્ડે આ રકમ પોતાના વહીવટમાં વાપરવી જોઇએ નહીં.

Saturday, May 29, 2010

અમદાવાદ: શાહપુર-કાલુપુરમાં ૨૦૦થી વધુ મકાનો પર પોલીસના દરોડા


અમદાવાદ શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા શાહપુર અને કાલુપુર વિસ્તારમાં દિવસભર અજંપાભરી શાંતિના માહોલ વચ્ચે મોડી સાંજે પોલીસે શાહપુર અને કાલુપુર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જેમાં શાહપુરના વિસ્તારોમાં ૨૦૦ જેટલાં મકાનોનાં ધાબાં પરથી કોથળા ભરીને પેટ્રોલ બોમ્બ અને પથ્થરો મળી આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.ઉપરાંત ધનાસુથારની પોળમાથી દસ જેટલા દેશી જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૃ કરી હતી.
  • ધનાસુથારની પોળમાં દસ જીવતા બોમ્બ ઝડપાયા
  • શાહપુરમાં ૧૫ કોથળા ભરી પેટ્રોલ બોમ્બપથ્થરો મળ્યા
  • કોમ્બિંગઃ થોકબંધ બોમ્બ મળ્યા
 જોકેઆજે ચોથા દિવસે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાના કારણે પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ખરેખરઆ બોમ્બ અને પથ્થરો કોના ઈશારે અને કયા કારણોસર કોણે ભેગા કર્યા હતા તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.
શુક્રવારની મોડી સાંજના ચાર વાગ્યાથી પોલીસે કોમ્બિંગ શરૃ કર્યુ હતું. શાહપુરના નાગોરીવાડ,નવગણીપોળનગીનાપોળનાના રંગીલાપોળમોટી રંગીલાપોળઆંબલીયાળા પોળ,ભવાનપુરાની પોળનગુમાસ્તરનો ડેલો વગેરે વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટુકડીઓએ ૨૦૦ જેટલાં મકાનોનાં ધાબાંઓ ઉપર તેમજ મકાનોમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું. જે દરમિયાન પોલીસને બેથી ત્રણ કોથળા ભરીને પેટ્રોલ બોંબ તેમજ સાતથી આઠ કોથળા ભરીને પથ્થરો મળી આવ્યા હતા.
શુક્રવારે શાહપુર અને કાલુપુર તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ તંગદિલી સર્જાય તેવી દહેશત ખુદ પોલીસ વ્યકત કરી રહી હતી. જેની પાછળનું કારણ શુક્રવાર હોવાનું જાણવા મળ્યું હતું. જોકેકોઈ પણ પ્રકારની તંગદિલી ન સર્જાય તે હેતસુર જેસીપી સતીશ શર્મા દ્વારા પહેલેથી જ અગમચેતીના ભાગરૃપે  શાહપુર વિસ્તારની ૨૬ જેટલી મસ્જિદોની બહાર પોલીસે તકેદારીના ભાગરૃપે નવા પોઈન્ટ ઊભા કરી દીધા હતા અને આરપીએફની એક ટુકડી શાહપુરમાં અને એક કાલુપુરમાં તૈનાત કરાઈ હતી. ઉપરાંત દિવસભર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં કોમી એખલાસની નાજુક દોરી જેવી તૂટે કે તરત જ કોટ વિસ્તારમાં તંગદીલી છવાઈ જતી હોય છે. અનિશ્ચિતતા ભર્યા આવા વાતાવરણમાં તોફાની તત્વો ધમાલ મચાવવાનો સામાન મકાનોની છત પર સંતાડીને રાખતાં હોય છે.