હાઈકોર્ટમાં એકતરફ દર વર્ષે હજારોની સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જ્યારે તેના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે કુલ જજોની મંજૂર કરેલી જગ્યાઓ પૈકી માંડ અડધા હોદ્દાઓ પર જ નિમણૂક થઈ છે. આ સામે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરફથી નવા નામોની ભલામણ થયે ૧૯ મહિના થવા છતાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્રીય કાયદા મંત્રાલય અને વડાપ્રધાન કચેરી સુદ્ધાં કોઈએ આ અંગે કાર્યવાહી કરી ન હોવા સામે આજે હાઈકોર્ટના વકીલોનો રોષ ભભૂકી ઊઠયો હતો. હાઈકોર્ટ પ્રત્યેના આ વલણના વિરોધમાં તમામ વકીલોએ કાર્યવાહીનો જડબેસલાક બહિષ્કાર કર્યો હતો. જો ટૂંક સમયમાં હકારાત્ત્મક પ્રતિભાવ નહીં મળે તો અનિશ્ચિત મુદતની હડતાળનું પગલું ભરવાની પણ તૈયારી દર્શાવી છે.
ન્યાયતંત્ર પ્રત્યેના પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલો રોષે ભરાયા
૧૯ મહિના પૂર્વે જજોનાં નામોની ભલામણ કરી હોવા છતાં નિષ્ક્રિયતા : ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ના બદલે ફક્ત ૨૩ જજ
છેલ્લા ઘણાં મહિનાથી ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને હાઈકોર્ટમાં જજોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રયાસ હાથ ધર્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ જજની નિમણૂક મંજૂર થઈ છે, પરંતુ હાલ માત્ર ૨૩ જજ છે. બીજી તરફ પૂર્વ જસ્ટિસ એસ. રાધાકૃષ્ણને ૨૦૦૯માં નવા જજ તરીકે ૧૨ નામની ભલામણ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના નવ જજની બંધારણીય બેન્ચે (કોલેજિયમ) અભિપ્રાય નિશ્ચિત કરી કેન્દ્રીય કાયદા મંત્રાલયને આખરી મંજૂરી માટે મોકલ્યો હતો. હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ આ અંગે કહ્યું હતું કે, હાઈકોર્ટના વકીલો તરફથી સુપ્રીમ કોર્ટમાં પાંચ વખત, કેન્દ્રીય કાયદા મંત્રીને ૧૦ અને વડાપ્રધાન કચેરી સમક્ષ બબ્બે વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી. ગુજરાતની રાજકીય નેતાગીરી સાથે કેન્દ્ર સરકારને જે રાજકારણ રમવું હોય તે રમે પણ ન્યાયતંત્ર પ્રત્યેના આ પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલોએ રોષ વ્યક્ત કરવા હડતાળ પાડી છે.
નોંધનીય છે કે, આજે સવારથી જ એસોસીએશનના અગ્રણીઓએ હાઈકોર્ટના બે મુખ્ય દરવાજા પર ગોઠવાઈ જઈને રોજિંદા ક્રમ મુજબ આવતા વકીલોને કાર્યવાહીથી અળગા રહેવા વિનંતી કરી હતી. જેનો પ્રતિભાવ એવો સજ્જડ હતો કે, એકમાત્ર એડ્વોકેટ કિશોર પાલ સિવાય કોઈ જ વકીલ કેમ્પસમાં પ્રવેશ્યા ન હતા. ત્યાર પછી સવારે ૧૧:૦૦ વાગ્યે જજોએ સ્થાન ગ્રહણ કર્યા બાદ સરકારી વકીલોને પણ કાર્યવાહી વિનાના જોઈને મોટાભાગના જજ બોર્ડ પરના તમામ કેસમાં ક્લાર્કને નવી મુદતની સૂચના આપી ચેમ્બરમાં જતા રહ્યા હતા.
‘ગુજરાત એ વિવાદિત જજોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી’
બીજા રાજ્યોની હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી કરાતા કેટલાક જજ અંગે હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને ગંભીર પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યાનુસાર અન્ય રાજ્યોમાં જે જજ સામે કૌભાંડ કે અનિયમિતતા જેવી ફરિયાદ ઉઠે તેમને અહીં ટ્રાન્સફર કરાય છે. ગુજરાત એ વિવાદાસ્પદ જજો માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી તેમ કહેતા એસોસીએશન પ્રમુખે કહ્યું હતું કે, આગામી સમયમાં પંજાબ-હરિયાણાના બે, મદ્રાસ હાઈકોર્ટના એક અને ઓરિસ્સાના એક જજની ગુજરાતમાં બદલી થઈ રહી છે. આ ચારેય જજ સામે વિવિધ ફરિયાદો થયેલી છે.
No comments:
Post a Comment