ઉનાળાની પ્રચંડ ગરમી બાદ એક પખવાડિયા સુધી અસહ્ય ઉકળાટ, ગરમી વચ્ચે ત્રસ્ત નગરજનોની આતુરતાનો અંત શુક્રવારે મોડી સાંજે આવ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનના સૂસવાટા, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વર્ષા રાણીનું આગમન થતાં શહેરીજનો નાચી ઊઠયા હતા.
ઠેરઠેર લોકો મોસમના પ્રથમ વરસાદમાં પલળવાનો આનંદ લેવા માટે રોડ ઉપર આવી ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં લોકો ગાડીઓ લઇને ઊમટી પડયા હતા. જ્યારે પોતાના ધંધા-રોજગારના સ્થળેથી ઘરે જઇ રહેલા દ્વીચક્રિ વાહન ચાલકોએ પણ પલળવાનો આનંદ માણ્યો હતો. આજે દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે શહેરમાં ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યાર બાદ રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડયો હતો. જેમાં ચાંદખેડા, સાબરમતી, નરોડા, શાહીબાગ સહિત પૂર્વના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોડી રાત્રે પશ્ચિમ અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડતા સમગ્ર વાતાવણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોએ કાગડોળે વરસાદની રાહ જોયા બાદ આજે રાત્રે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવનના સૂસવાટા અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ચારેકોર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સહિત આહ્લાદકતા પ્રસરી ગઈ છે.
કાગડોળે મેઘરાજાની રાહ જોતાં તમામ લોકો જાણે કે નવું જીવન મળ્યાનો અહેસાસ કર્યો હતો. મોડી રાત્રી સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થયાનું અને વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદ પડવાને કારણે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠેલી પ્રજાને ગરમીથી છુટકારો મળ્યો હતો. આ ઉપરાંત મોડી રાત સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-પવનના સૂસવાટા સાથે વરસાદ પડયો હતો.
No comments:
Post a Comment