Friday, July 30, 2010

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ : ફિલ્મ રિવ્યૂ


કલાકાર : અજય દેવગણ, ઇમરાન હાશમી, કંગના રાણાવત, પ્રાચી દેસાઇ, રણદીપ હૂડા


દિગ્દર્શન : મિલન લૂથરિયા


રેટિંગ :  ૪/૫

સ્ટોરી : ફિલ્મ 1970ના સમયની યાદ તાજી કરાવે છે, જ્યારે સ્મગલિંગ સાવ ધૃણાસ્પદ કાર્ય ગણાતું હતું અને પરોપકારી ડોન સુલતાન મિર્ઝા(રેફરન્સ:હાજી મસ્તાન) તે સમયે માફિયા કિંગ હતો. ફિલ્મ કીર્તિવંત રોબિન હૂડની આકૃ્તિમાં મુંબઈમાં ડોન સુલતાનનો ઉદય અને તેનું આધિપત્ય દર્શાવે છે. સાથે સુલતાનના તેના સૌથી મોટા પ્રશંસક શોએબ ખાન(રેફરન્સ:દાઉદ ઇબ્રાહીમ) સાથેના સંબંધોનું ચિત્રણ છે, જ્યાં બાદમાં શોએબ સુલતાનનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. શોએબ એક ગેંગસ્ટર તરીકે સુલતાનના ગ્રુપમાં જોડાય છે, જેની પાછળ તેનો આશય સુલતાનની સત્તા પચાવી પાડવાનો અને તેના કરતા વધારે સારું રાજ કરવાનો હોય છે. અહીંથી જ મુંબઈમાં ભયંકર ગુનાઓ, ગેંગવોર, શૂટ આઉટ, આતંક શરૂ થાય છે.

મૂવી રીવ્યૂ : તમે 'સત્યા' જોઇ છે અને તમને તે ગમી છે, તમને 'કંપની' પણ પસંદ પડી છે, તેમજ 'બ્લેક ફ્રાઇડે'નો સ્વાદ પણ તમારી જીભને ગમ્યો છે, તમે મુંબઈના અંડરવર્લ્ડ વિશે ઘણું વાંચ્યું પણ હશે તેમ છતાં જો તમને થતું હશે કે હજુ કંઇક વિશેષ જાણવા મળે તો સારું, તો તમારા શ્વાસ થામીને બેસો, કારણ કે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને અંડરવર્લ્ડના અનેક રંગોથી પરિચિત કરાવશે.

ફિલ્મ મુંબઈની સૌથી જાણીતી ક્રાઇમ સ્ટોરીથી રીઓપન થાય છે જેમાં હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમના ઉગ્ર સંબંધો દર્શાવવામાં આવે છે. જો કે ફિલ્મ રીયલ લાઈફ કરતા થોડી વધારે ઉગ્રતા સાથે શરૂ થાય છે. તેમ છતાં તેની તીવ્રતા દર્શકોને સીટ પર જકડી રાખવા માટે પુરતી છે.  

ડિરેક્ટર મિલન લુથરિયાએ તેમની ફિલ્મને માત્ર બંદૂકની ગોળીઓથી લથબથ કરવાની જગ્યાએ તેને ઇમોશનલ ટચ આપવાનો પ્રયોગ પણ કર્યો છે, કદાચ ફિલ્મની મજબૂત પકડનું આ મુખ્ય કારણ છે. ફિલ્મમાં ઓછા હિંસક દ્રશ્યો અને વધારે ઇમોશનલ સરવાળા બાદબાકી જોવા મળે છે. જેમ કે સુલતાન મિર્ઝા(અજય દેવગણ) અન્ડરવર્લ્ડમાં તેના શહેનશાહિયત મોભાથી તેની નવી ટીમના બદમાશ સભ્ય શોએબ ખાન(ઇમરાન હાશમી)ને કાબૂમાં રાખે છે. અને અહીં રજત અરોરાની ડાયનેમિક સ્ક્રીપ્ટ કામ કરી જાય છે. જે ફિલ્મના બે મુખ્ય પાત્રો વચ્ચેના કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક તરફ જ્યાં સુલતાન મજબૂત નૈતિક મુલ્યો સાથે ચાલનારો બદમાશ છે ત્યાં બીજી તરફ શોએબ નીતિહીન અને મુલ્યોમાં નહીં માનનારો માણસ છે. શોએબ દરેક પ્રકારના દુષ્કૃત્યો પર હાથ અજમાવવા તૈયાર હોય છે, જેમ કે ગેંગ વોર, આતંક, લૂંટફાંટ, લોહીની નદીઓ વહેવડાવવી વગેરે. જાણે તેણે તેની આ હિંસક ક્રિયામાં ભગવાન શોધી લીધા હોય તેમ તે વર્તવા લાગે છે.  "મુંબઈ મેરે નીચે ઓર મેં ધુંએ કી તરહ ઉપર", આ ડાયલોગ જેવી તેની જિંદગી હોય છે. તમામ અનૈતિક કાર્યો તેના જીવનનો ભાગ બની જાય છે. જાણે તે મુંબઈ શહેરને તેના હાથમાં પકડેલા રીમોટ કન્ટ્રોલ દ્વારા જ ચલાવવા લાગે છે. પણ આ બધું બહું લાંબુ નથી ચાલતું.

મહત્વની વાત એ છે કે ફિલ્મમાં સુલતાનના પાત્રને વધારે પડતું ચિતરવામાં નથી આવ્યું, એટલે કે વાસ્તવિક જીવનમાં તેનો જે રોલ હતો તેના કરતા ફિલ્મમાં થોડું પણ વધારે દર્શાવવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો. ફિલ્મમાં તેની નૈતિક પહોંચને જાળવી રાખવામાં આવી છે સાથે સાથે ફિલ્મમાં એક ક્રિમિનલ તરીકેના તેના સર્વોત્કૃષ્ટ પાત્રની સીક્વન્સ પણ જળવાય છે.

અંડરવર્લ્ડની દુનિયા સાથે સંકળાયેલા આ પાત્રોના જીવનમાં હિંસક કર્મોની સાથે પ્રેમ પણ જોડાયેલો છે. આ બંને ગુનેગારોના જીવનમાં સુંદર સ્ત્રીઓ પણ છે. સુલતાન હિરોઇન રેહાના(કંગના રાણાવત) સાથે પ્રેમમાં છે, જે ઓન સ્ક્રીન યાદગાર લાગણીઓની સુગંધ છોડી જાય છે. જ્યારે શોએબ તેની શરમાળ શૉરૂમ ગર્લ મુમતાઝ(પ્રાચી દેસાઇ) સાથે જોવા મળે છે.

'લવ સેક્સ ઓર ધોકા'ના પ્રયોગ બાદ પ્રોડ્યુસર એકતા કપુર ફરી એકવાર એક સંપૂર્ણ એન્ટરટેનર મૂવી આપવામાં સફળ રહી હોય તેવું કહી શકાય. ફિલ્મમાં રસપ્રદ સ્ટોરી છે, વ્યવસ્થિતિ અને અસર છોડનારા સંવાદો છે, પ્રિતમનું સંગીત પણ સારું છે. અને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન ન થાય તેવા કેટલાક પાત્રોનો અભિનય દર્શકોને સંતોષ કરાવશે. અજય દેવગણ અને ઇમરાન હાશમીએ તેમના ગેંગસ્ટર્સના પાત્રોને પુરતો ન્યાય આપ્યો છે. અભિનયની દ્રષ્ટિએ તેમના પાત્રો આ વર્ષના સૌથી સારા પાત્રો તરીકે યાદ રખાશે. જ્યારે કંગના રાણાવત અને પ્રાચી દેસાઇ પણ ગેંગસ્ટરની વેશ્યા તરીકે આબેહૂબ ઉપસી આવે છે. વધુમાં મુખ્ય પોલીસ તરીકેનું પાત્ર ભજવનાર રણદીપ હૂડા અને સુલતાનના વફાદાર મદદનીશ નાવેદ એહમદના પાત્રો પણ જોવાલાયક છે. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને જરૂરી મસાલો પણ પુરો પાડે છે અને ઇમોશન્સની વચ્ચે ફિલ્મ ચેતનાનો સંચાર પણ કરે છે. ફિલ્મ એકવાર તો જવી જ રહી.
અભિનય : અજય દેવગણ અને ઇમરાન હાશમીનો અભિનય આઇ કેચી છે. કહી શકાય કે આ પહેલા તેમનો આવો અભિનય ક્યાંય જોવા નથી મળ્યો. કંગના અને પ્રાચીના અભિનયને પણ દાદ દેવી ઘટે.

વાર્તા : રજત અરોરાએ હાલના સિનેમાને ધ્યાનમાં રાખીને ડ્રામા જીવંત રહે તેવા પુરા પ્રયત્નો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યા છે.

સંવાદો : અદ્ભૂત, કદાચ ઘણા લાંબા સમય બાદ તમને ઓન સ્ક્રીન કેટલાક સારા સંવાદો આ ફિલ્મના માધ્યમ દ્રારા સાંભળવા મળશે.

સિનેમેટોગ્રાફી : અસીમ મિશ્રા પ્રેમ અને ભૂતકાળના સમન્વય સાથે ઘણી સારી રીતે ફિલ્મમાં જૂના મુંબઈનું ચિત્ર ઉપસાવવામાં સફળ રહ્યા છે.

સંગીત : પ્રિતમે કેટલાક સારા ટ્રેક્સ આપ્યા છે. ખાસ કરીને 'પી લૂં...'

સ્ટાઇલ : ફિલ્મમાં 1970ની ફેશનને જીવંત કરવામાં આવી છે. ખાસ કરીને તમને ફિલ્મમાં પ્રાચી દેસાઇના વસ્ત્રોમાં 'બોબી'ની ડિમ્પલ કાપડિયાની સ્ટાઇલ જોવા મળશે. 

પ્રેરણા : 1970નું મુંબઈનું અંડરવર્લ્ડ.

No comments:

Post a Comment