Wednesday, June 9, 2010

રેસ્ટોરન્ટમાં 'હુક્કાબાર' ખોલી શકાશે પણ સીસીટીવી કેમેરા હોવા ફરજીયાત.


શહેર પોલીસે હુક્કાબારના પરવાનેદાર માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં સીસી ટીવી ફૂટેજથી માંડીને હુક્કામાં વપરાતી ફ્લેવરની તપાસ સુધીના નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પડાયેલા નવા નિયમો મુજબ સાર્વજનિક ખાનપાનની જગ્યામાં કેબિન બનાવી હુક્કાબારની સવલત આપી શકાશે, પરંતુ રેસ્ટોરન્ટની કોમન જગ્યામાં હુક્કાબાર ચલાવી શકાશે નહીં. હુક્કાબારમાં ૧૮ વર્ષથી નીચેનાં બાળકોને પ્રવેશ નહીં આપવાની પણ જવાબદારી પરવાનેદારને સોંપાઈ છે.

પોલીસે હુક્કાબારની કેબિન સંપૂર્ણ પારદર્શક રાખી આછું લાઇટિંગ ન કરવા જણાવ્યું છે. જ્યારે હુક્કાબારની કેબિન પર સીસી ટીવી કેમેરા ગોઠવી તેના અઠવાડિક ફૂટેજ સ્થાનિક પોલીસમથકમાં જમા કરાવવા જણાવ્યું છે, દર પખવાડિયે પોલીસ સ્ટેશન ઇન્ચાજેઁ હુક્કામાં વપરાતા ફ્લેવર અને અન્ય પદાર્થને એફ.એસ.એલ.માં મોકલી ખાતરી કરાવવાની રહેશે. જ્યારે તમાકુવાળા હુક્કા પરનો પ્રતબિંધ યથાવત્ છે.

પોલીસ કમિશનર એસ.કે. સાઇકિયાએ હુક્કાબાર અંગે નવું જાહેરનામું બહાર પાડીને કેટલીક જૂની શરતો યથાવત રાખીને હુક્કાબાર ચાલુ કરવા માટે પરમિશન આપવાની જાહેરાત કરી છે. જેમાં હુક્કાબારની કેબિન પારદર્શક અને સળંગ રાખવા, પૂરતી લાઇટિંગ, સીસી ટીવી કેમેરા અને તેના ફુટેજ દર અઠવાડિયે પોલીસને આપવાની, ગ્રાહકોની વયમર્યાદાની ખાતરી કરવાની, હુક્કાબારમાં વપરાતા ફલેવર્સના સેમ્પલ આપવા તેમજ હુક્કાબારમાં આવતા તમામ લોકોની એન્ટ્રી રજિસ્ટરમાં કરવાની જે રજિસ્ટર પોલીસ સ્ટેશનના સહી સિક્કાવાળા રાખવાની સૂચના આપી છે.

ખાણીપીણી હોય ત્યાં ધૂમ્રપાન ન હોય!

અમદાવાદઃ હાઈકોર્ટમાં એકતરફ જ્યારે સુઓમોટો પિટીશન ચાલી રહી છે ત્યારે યુવાધનને નશાના રવાડે ચડાવી અન્ય પ્રકારની મદહોશી બહેકાવતા હુક્કાબાર પર નિયંત્રણ મેળવવાના બદલે રેસ્ટોરેન્ટમાં હુક્કાબાર શરૃ કરવાની મંજુરી એક નવો વિવાદ સર્જે તેવી પૂરી શક્યતા છે. સુઓ મોટો પિટીશનમાં રજૂઆત કરનારા એડ્વોકેટ ભૂષણ ઓઝાએ કહ્યું હતું કે, જો આ જાહેરનામામાં રેસ્ટોરેન્ટમાં જ ધુમ્રપાનની છુટ આપવામાં આવી હોય તો તે કેન્દ્રના ટોબેકો કંટ્રોલ એક્ટ, ૧૯૮૪ની જોગવાઈઓનો સીધો ભંગ ગણાય.

આ જોગવાઈ મુજબ જ્યાં ખાણી-પીણીની જગ્યા હોય ત્યાં જ ધુમ્રપાન પ્રતિબંધિત છે. આ બંને સાથે હોઈ ન શકે. જ્યારે પોલીસ કમિશ્નરના જાહેરનામામાં સીધી છુટ મળી છે. ભલે હુક્કાબારમાં નિકોટીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોય. પણ હુક્કો પીવો એ એક પ્રકારનું ધુમ્રપાન જ છે એમ ખુદ રાજ્યના એડિશ્નલ એડ્વોકેટ જનરલ તુષાર મહેતાએ સુઓ મોટો પરની સુનવણી દરમિયાન દલીલ કરી હતી. આ દલીલના સમર્થનમાં તેમણે નકશીકામ ધરાવતા મોટા હુક્કા સાથે ચીફ જસ્ટિસ સમક્ષ હાજર રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેકેશન ખુલતાં જ હુક્કાબાર સુઓમોટોની સુનવણી જ્યારે હાથ ધરવામાં આવે ત્યારે આ જાહેરનામાને હાઈકોર્ટમાં પડકારવાનો પણ નિર્ણય લેવાયો છે.

No comments:

Post a Comment