અમદાવાદ શહેર પોલીસની કાર્યપધ્ધતિના બે કિસ્સાની ચર્ચા જાગી છે. વસ્ત્રાપુર અને નારણપુરામાં પ્રજાજનોએ પકડીને સોંપેલા આરોપીઓને પોલીસ સાચવી શકી નહોતી. વસ્ત્રાપુર તળાવ પાસે હીટ એન્ડ રન સર્જ્યા પછી લોકો ઉપર કાર દોડાવનાર નશાખોરોને પોલીસે નિશ્ચિત કારણોસર જવા દીધા હતા. ટોળાંએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે, વસ્ત્રાપુર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કિસ્સાની પોલીસ સ્ટેશનમાં નોંધ સુધ્ધાં નથી.
રોષે ભરાયેલા ટોળાંએ કારની તોડફોડ કરી ગંભીર ઘટનાની પોલીસમાં કોઈ નોંધ નથી!
વસ્ત્રાપુર તળાવ પાસે મંદિરની સામે આવેલા પાનના ગલ્લા ઉપર રાતે ૧૧ વાગ્યાના અરસામાં યુવકો વાતો કરતા ઉભા હતા. પૂરઝડપે આવેલી સફેદ રંગની કારે ચાર ટુ વ્હીલર્સને અડફેટમાં લીધા હતા. લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત સર્જનારાંઓને પકડવા અમુક યુવકો દોડયા તો ચાલકે કાર રિવર્સમાં લઈ કાર તેમના ઉપર દોડાવી હતી. પરંતુ, લોકોના ટોળાં એકત્ર થઈ જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર થોડે આગળ જઈ ઉભી રહી ગઈ હતી. કારમાં રહેલા ચાર યુવકોમાંથી બે નાસી ગયા હતા અને બે લોકોના હાથમાં આવી ગયા હતા. પકડાયેલા બે શખ્સોને પ્રજાજનોએ મેથીપાક આપ્યો હતો.
નજરે જોનારાઓએ જણાવ્યા મુજબ, દારૃના નશામાં રહેલા બે યુવકો દાદાગીરી કરતા હોવાથી લોકોમાં રોષ વધુ ભભૂક્યો હતો અને કારના કાચ ફોડી નાંખ્યા હતા. કોઈએ ફોન કરતાં પોલીસ આવી પહોંચી હતી. પ્રજાજનોની હાજરીમાં જ પોલીસે એક શખ્સનું મોં સૂંઘ્યું હતું અને 'દારૃ પીધો છે ને?' તેવો સવાલ કર્યો હતો. પરંતુ, કોઈ વાત થતાં આ યુવકને વાનમાં બેસાડી દેવાયો હતો.
લોકોમાં રોષની કારણ બનેલા યુવકની જાહેરમાં ધોલાઈ કરવાનું નાટક કરનાર પોલીસની લાઠીઓ પછી સામાન્ય લોકો ઉપર વરસી હતી.
આ બનાવની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધ સૂધ્ધાં જોવા મળી નથી. કારના હીટ એન્ડ રન અને તોડફોડના ઘટનાક્રમ પછી મિનિટોમાં જ વસ્ત્રાપુર તળાવ વિસ્તાર સૂમસામ બની ગયો હતો. પોલીસની ત્રણ-ત્રણ વાન આવી હોવા છતાં આરોપીઓને મુક્ત કરી દેવાયાં હતાં.
No comments:
Post a Comment