Monday, June 21, 2010
અમદાવાદ નો સૌથી લાંબો બગીચો બનશે : સાબરમતી રીવેરફ્રન્ટ પર.
બગીચા માટે દેશમાં પ્રખ્યાત શહેરોની હરોળમાં હવે અમદાવાદ પણ આવી રહ્યું છે.કાંકરિયા તળાવને કાંઠે લેકફ્રન્ટ વિકસાવાયા બાદ હવે સાબરમતી નદીના કાંઠે વાસણા વિસ્તારમાં શહેરનો સૌથી મોટો અન સુંદર ગાર્ડન વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.
શહેરમાં નવા વિસ્તારોના સમાવેશ બાદ નાના-મોટા મળી ૧૮૦ જેટલા બગીચાની સુવિધા લોકોને આપવામાં આવી છે અને હજુ બીજા કેટલાક બગીચા વિકસાવવામાં આવી રહ્યા છે, તેમાં વાસણા વિસ્તારમાં સાબરમતી નદી ઉપરના બેરેજ પાસે સિંચાઈખાતાની વિશાળ જમીનમાં બગીચો બનાવવા માટે તત્કાલીન મેયર અમિત શાહે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ તે સમયના સિંચાઈમંત્રી નરોત્તમભાઈ પટેલને સૂચના આપી હતી.
સરકારના સિંચાઈ ખાતાની માલિકીની ૧૮ હજાર ચો.મી. જમીન તરત મ્યુનિ.ને બગીચો બનાવવા માટે સોંપી દેવાતાં લગભગ સવા કરોડના ખર્ચે શહેરમાં ક્યાંય ન હોય તેવી સુવિધા સાથેનો બગીચો બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ અમિતભાઈ શાહની મેયર તરીકેની મુદત પૂરી થયા બાદ કોઈ કારણસર બગીચાની કામગીરી ખોરંભે પડી ગઈ હતી.
જો કે મ્યુનિ. સત્તાધીશોએ સાબરમતી નદીને શુદ્ધ કરવા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવી રહેલી ઇન્ટરસેપ્ટર સુઅરેજ લાઇનનું કામ બાકી હોવાથી બગીચાની કામગીરી શરૂ કરવામાં આવી નહોતી, પરંતુ મળતી માહિતી મુજબ જે બગીચો સવા કરોડના ખર્ચે બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં તેમાં સુધારો કરી હવે ફક્ત ૫૫ લાખનો ખર્ચ કરવામાં આવનાર છે અને તેના માટે ડિઝાઈન તૈયાર કરી દેવાઈ છે, તથા સિવિલ વર્ક માટે કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર આપી દેવાયો છે.
૧૮ હજાર ચો.મી. જેટલી વિશાળ જગ્યામાં બનનારા બગીચામાં ત્રણ કિ.મી. લાંબો તો વોક-વે જ બનવાનો છે, જેના કારણે સવારે અને સાંજે ચાલવા આવનારા લોકોને ઘણી સગવડ મળશે, તેમજ બાળકોને ધ્યાનમાં રાખી દોઢ હજાર ચો.મી. જગ્યા પ્લે એરિયા માટે ફાળવવામાં આવશે અને તેમાં રમતગમતનાં સાધનો મૂકાશે. લોન ઉપરાંત વૃક્ષો ઉગાડાશે.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment