ગૃહમંત્રાલયના નિર્ણયને પગલે અફઝલની દયા અરજી ફગાવી દેવા કેન્દ્ર સરકાર ટૂંકમાં જ રાષ્ટ્રપતિને ભલામણ કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ્ રાષ્ટ્રપતિને આવી ભલામણ મોકલવાનું વિચારી રહ્યા છે અને આ સંદર્ભે તેઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે અફઝલગુરુની દયાની અરજી હાલ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવસિંહ પાટિલ પાસે છે. આ સંદર્ભે જરૃરી ફાઈલ વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે અને ત્યાંથી તેને ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ ભવનને સુપ્રત કરાશે. દયાની અરજી અફઝલની પત્ની તબસ્સુમે ચાર વર્ષ પહેલાં દાખલ કરી હતી.
રાષ્ટ્રપતિભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને હજુ સુધી ગૃહમંત્રાલય દ્વારા આવી કોઈ ભલામણ મળી નથી. આ અગાઉ ૩ જૂનના રોજ અફઝલ ગુરૃ અંગેની ફાઈલ દિલ્હીના લેફટન્ટ ગવર્નર તેજિન્દર ખન્નાએ ગૃહમંત્રાલયને મોકલી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરના રોજ દેશની સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે અફઝલ ગુરૃને ૧૮મી ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. આ સજાને દિલ્હી વડીઅદાલતે ઓક્ટોબર ૨૯, ૨૦૦૩ના રોજ યથાવત્ રાખી હતી અને આવોજ નિર્ણય સુપ્રીમ કોર્ટે પણ લીધો હતો. કાયદા પ્રધાન એમ વીરપ્પા મોઈલીએ જણાવ્યું હતું કે તેઓ ગુરૃના કેસમાં ગૃહમંત્રાલયના મંતવ્યને ટેકો આપે છે અને અફઝલની દયા અરજી અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરવાના ગૃહમંત્રાલયના નિર્ણયને તેમનું સમર્થન છે. દરમિયાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રાલયની ભલામણોને સ્વીકારશે તેવી આશા ભાજપે વ્યક્ત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા એમ. વૈંક્યા નાયડુએ જણાવ્યું હતું કે અફઝલ ગુરૃની દયાની અરજી અંગે નિર્ણય લેવામાં થઈ રહેલા વિલંબ પાછળ ગમે તે કારણ જવાબદાર હોઈ શકે છે પણ આ અરજીને નકારી કાઢવાના સંદર્ભે કોઈ ભલામણ થાય તો તે રાષ્ટ્રપતિએ સ્વીકારવી જોઈએ.
No comments:
Post a Comment